સૌરાષ્ટ્રમાં હળવાં-ભારે ઝાપટાં યથાવત, બુધવારથી મુશળધાર
- ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ મેઘકૃપા
- રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી, લાલપુર, ભાણવડ, તાલાલા સહિતનાં શહેરોમાં છૂટા-છવાયો વરસાદ વરસ્યો
રાજકોટ, તા. 12 જુલાઈ, 2020, રવિવાર
સૌરાષ્ટ્રમાં આજે રવિવારે પણ હળવા - ભારે ઝાપટા યથાવત રહ્યા હતા. ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ મેઘકૃપા થઇ હતી. જો કે, હવામાન વિભાગે બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જાફરાબાદ, લખતર, ગીરગઢડામાં પણ ઝરમર વરસાદથી માર્ગો ભીના થયા હતા.
ભાવનગર જિલ્લામાં આજે વલ્લભીપુરમાં ધોધમાર બે ઇંચ અને ઉમરાળામાં એક ઇંચ, તળાજામાં પોણો ઇંચ તથા જેસર અને પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટા વચ્ચે ગઢડામાં અડધો ઇંચ મેઘકૃપા વરસી હતી.
જામનગર જિલ્લાના જામજોધપુર તેમજ લાલપુર પંથકમાં આજે પણ મેઘસવારી ચાલુ રહી હતી, લાલપુરમાં આજે બપોરે ૧૨ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, અને ચાર વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયાના અહેવાલ મળ્યા છે. તે જ રીતે જામજોધપુરમાં પણ બપોરે ૧૨ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને અડધો ઇંચ વરસાદ પડયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તે જ રીતે જામનગર શહેરમાં પણ આજે બપોરે ૧૨ વાગ્યે વરસાદી ઝાપટું વરસી ગયું હતું, અને ધ્રોલમાં પણ બાર વાગ્યા પછી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જોકે થોડીવાર પછી વરસાદ રોકાયો હતો.
જૂનાગઢ જિલ્લામાં આજે પણ સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. જેમાં મેંદરડામાં ચાર મી.મી. માળીયાહાટીનામાં બે તેમજ વિસાવદરમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં હળવા ઝાંપટા પડયા હતા.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. જેથી આગામી તા. ૧૫મીએ બુધવારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લો તથા દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે તા.૧૬મીએ ગુરૂવારે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.