For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફાયનાન્સ કંપનીઓ અને બેન્કની સ્કીમના અતિક્રમણથી જુના વાહનોની લે-વેચમાં 50 ટકાનો ઘટાડો

Updated: Nov 20th, 2022

Article Content Image

- ઓટો એજન્ટો તેમજ કમિશન એજન્ટોને ફટકો

- ગોહિલવાડમાં સેકન્ડહેન્ડ વાહનોની માર્કેટમાં લેવાલી ઘટી જતા અસંખ્ય જુના વાહનોના ખડકલા યથાવત

ભાવનગર : ગોહિલવાડમાં અલગ-અલગ ફાયનાન્સ કંપનીઓ તેમજ બેન્ક દ્વારા ઝીરો ટકા વ્યાજ અને ઓછા ડાઉન પેમેન્ટ તેમજ ગ્રાહકને પરવડે તેવી માસિક વ્યાજની રકમ પર નવા નકકોર વાહનો વસાવવાની સ્કીમો અમલી કરવામાં આવતા છેલ્લા એકાદ વર્ષથી સેકન્ડહેન્ડ વાહનના વ્યવસાય પર સંકટના વાદળો છવાઈ જતા આ વ્યવસાયની સાથે સંકળાયેલા વિક્રેતાઓ ચિંતીત બન્યા છે. 

કમ્મરતોડ મોંઘવારી, પેટ્રોલિયમ પેદાશના ભાવમાં છાસવારે થઈ રહેલો વધારો તેમજ આવકના પ્રમાણમાં થતો ઘટાડો સહિતના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં નવા વાહનો રોકડેથી ખરીદનાર ગ્રાહકોમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેની સાથે જુના વાહનોની લે-વેચની પ્રક્રિયામાં ઉત્તરોત્તર ૫૦ ટકાનો ઘટાડો થઈ રહ્યો હોય સેકન્ડહેન્ડ વાહનના વિક્રેતાઓે ચિંતામગ્ન બન્યા છે. મંદીની અસરથી હિરા ઉદ્યોગ, અલંગ શીપબ્રેકીંગ, સ્ટીલ રિરોલીંગ યુનિટ સહિતના કેટલાક ધંધા વ્યવસાયોમાં અગાઉના વર્ષોની તુલનામાં દૈનિક માર્કેટ, ગ્રોથ દિન પ્રતિદિન ઘટતો જાય છે. જેના કારણે ઉપરોકત ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલાઓ તેમજ નોકરીયાતોને ટુંકા પગાર ધોરણ, આજીવીકા માટે અપુરતી બેલેન્સ તેમજ આવક કરતા જાવકનું પ્રમાણ વધી રહ્યુ હોય ભાવનગર શહેરના સમગ્ર નવાપરા તેમજ કુંભારવાડા સહિતના કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં આવેલ સેકન્ડહેન્ડ વાહનોની માર્કેટ લંગડાઈ રહી છે. આ માર્કેટમાં છેલ્લા એકાદ વર્ષથી લે-વેચની પ્રક્રિયામાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. ધંધો તૂટવા લાગતા બેરોજગારીનો ભરડો અનેકને ઘેરી વળે તેવી આ વ્યવસાય સાથે સંકળાયેલાઓમાં ભીતિ સેવાઈ રહી છે.ઉપરોકત કારણોસર ઓટો મોબાઈલ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. જયારે ઓટો પાર્ટસના સપ્લાયર્સ પણ જુના વાહનોમાં નવા સ્પેરપાર્ટસની ખરીદીમાં ૨૦ થી ૨૫ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવે છે. અગાઉ દરરોજની ૧૫ થી ૨૦ ઉપરાંત જુના વાહનો સર્વિસ ઉપરાંત વેલ્યુ માટે આવતા હતા જેમાં ઘટાડો થયો છે. અગાઉ શહેરમાં અંદાજે ૨૫ થી ૩૦ જેટલા જુની કન્ડિશનના હિરોહોન્ડા, બાઈક, બુલેટ,બજાજ અને લ્યુના સહિતના વાહનો આસાનીથી વેચાતા હતા.જયારે હવે ઉપરોકત કારણસર મહિને માંડ માંડ ૧૦ થી ૧૨ વાહનો વેચાય છે. ભાવમાં ઘટાડો કરવા છતા ઘણા જુના મોડલના વાહનો વેચાતા નથી તેમ ઓટો કન્સલ્ટન્ટએ જણાવ્યુ હતુ. નવાપરા સહિતના વિસ્તારોમાં હાલ અંદાજે ૬૦ થી વધુ વેપારીઓ, ઓટોકમિશન એજન્ટો આ સેકન્ડહેન્ડ માર્કેટ સાથે સંકળાયેલા છે. ભાવમાં ઘટાડો કરવા વિક્રેતા તૈયાર થતા હોવા છતા જુના વાહનોની લેવાલી નથી. જેથી તેઓની દુકાનની આસપાસ અને ગોડાઉનોમાં જુના વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થતો જાય છે જયારે લેવાવાળા ઓછા આવે છે. 

માર્કેટમાંથી લ્યુના અને બજાજ સહિતના અનેક વાહનો અદ્રશ્ય

આજથી વર્ષો પૂર્વે માર્કેટમાં લ્યુના તેમજ બજાજ સહિતના વાહનોના મોડેલ વાહનચાલકોમાં સૌથી વધુ લોકપ્રિય બન્યા હતા જયારે  ભાવનગરની સેકન્ડહેન્ડ માર્કેટમાં છેલ્લા પાંચેક વર્ષથી લ્યુના તેમજ બજાજ સહિતના અનેક જુના વાહનોના મોડેલ ધીમે ધીમે અદ્રશ્ય થતા જાય છે. એટલુ જ નહિ બજાજ અને લ્યુનાધારકોને તેમના વાહનોના યોગ્ય સ્પેરપાર્ટસ પણ ઓટો એજન્સીઓમાંથી મળતા નથી. 

Gujarat