Get The App

કોરોના સામે જંગ: ગુજરાતની કંપનીએ 10 જ દિવસમાં સૌથી સસ્તું વેન્ટિલેટર બનાવી લીધું

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના સામે જંગ: ગુજરાતની કંપનીએ 10 જ દિવસમાં સૌથી સસ્તું વેન્ટિલેટર બનાવી લીધું 1 - image

રાજકોટ, તા. 04 એપ્રિલ 2020, શનિવાર

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના પરિણામે આગામી દિવસોમાં બહોળી સંખ્યામાં વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થવાની છે. જેથી વેન્ટિલેટરની માંગને પહોંચી વળવા રાજકોટની કંપની જ્યોતિ સીએનસીએ ‘ધમણ-1’ નામનું વેન્ટિલેટર તૈયાર કર્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન વેન્ટિલેટરની સત્તાવાર જાહેરાત કરી હતી. 10 દિવસમાં 150 જેટલા એન્જિનિયરે આ વેન્ટિલેટરને તૈયાર કર્યું છે. જે અપ્રુવલના તમામ ક્રાઇટેરિયા પર ખરું ઉતર્યું છે.

ધમણ વેન્ટિલેટર ફક્ત 1 લાખ રૂપિયામાં જ બન્યુ

ગાંધીનગર સ્થિત ઇક્યુબીસી ઇન્સ્ટિટ્યુટમાં સતત 10 કલાકના પરીક્ષણ બાદ વેન્ટિલેટરને પ્રમાણિત કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ વેન્ટિલેટર બનાવવા માટે 6.50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ ધમણ-1 વેન્ટિલેટર ફક્ત 1 લાખ રૂપિયામાં જ બન્યું છે. આ વેન્ટિલેટરની ખાસ વાત એ છે કે આખું વેન્ટિલેટર સ્વદેશી પાર્ટમાંથી બનાવવામાં આવ્યું છે. જે માટે સુરત, જામનગર, મોરબી, મુંબઇ અને ચેન્નઇ સહિતની 26 જેટલી કંપનીઓએ જરૂરી પાર્ટ પૂરા પાડ્યા છે.

આગામી 10 દિવસ દરરોજના 100 નંગ બનાવાશે

આ વેન્ટિલેટરના પહેલા એક હજાર નંગ ગુજરાત સરકારને આપવામાં આવશે. હાલમાં કુલ 3 મશીન બન્યા છે, પરંતુ 3 દિવસ બાદ 10 દિવસ સુધી દરરોજના 100 નંગ બનાવવામાં આવશે. ‘ધમણ-1’ નું મિકેનિકલ પેરામીટર્સ ચેક કરી સિવિલ હોસ્પિટલમાં દર્દી પર તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ‘જીવન છે ત્યાં ધમણ છે’ ફેફસાંના ધમણને કામ કરતું રાખે તે માટે આ વેન્ટિલેટરનું નામ ધમણ આપવામાં આવ્યું છે. અત્યારે ધમણ-1નું બેઝિક વર્ઝન બનાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં તેનું અપગ્રેડેડ વર્ઝન પણ આવશે.
Tags :