વીમાદારને મેડિકલેઇમ ઇન્સ્યોરન્સની રકમ ચુકવી આપવા વીમા કંપનીને હુકમ
- ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ચુકાદો
- વીમાદારને પોલીસીમાં મોતીયાના ઓપરેશન માટે કોઇ લિમીટ દર્શાવી ન હતી
ભાવનગર,1 જાન્યુઆરી 2020 બુધવાર
ભાવનગરના વીમાદારને આંખના મોતીયાના ઓપરેશન બાદ વીમા કંપનીએ ખુલાસા વગર રકમ કાપી નાખતા ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ કર્યો હતો જે અનુસંધાને વીમા કંપનીને મેડિકલેઇમ ઇન્સ્યોરન્સની રકમ વ્યાજ સાથે અને શારીરિક-માનસિક ત્રાસની રકમ સાથે ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં રહેતા ધીરજલાલ નંદલાલ પટેલે નેશનલ ઇન્સ્યોરન્સ વીમા કંપની પાસેથી તેઓ અને તેમના પત્નીનો મેડિકલેઇમ ઇન્સ્યોરન્સ પોલીસી ઉતરાવી હતી બાદ વીમાદારને આંખમાં તકલીફ થતા મોતીયાનું ઓપરેશન કરાવેલ જે અંગે રૂા.૮૫ હજારનો ક્લેઇમ કંપનીમાં રજૂ કરતા કંપનીએ કોઇપણ ખુલાસા વગર રકમ કાપી નાખી રૂા.૨૪ ગ્રાહકના બચત ખાતામાં જમા કરાવેલ જેથી વીમાદારે વકીલ દક્ષેશ ત્રિવેદી મારફત ગ્રાહક કરરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરેલ.
જેમાં વીમા કંપનીએ મોતીયાના ઓપરેશનમાં કરેલ ખર્ચ વધુ પડતો હોય અને પોલીસીની શરત મુજબ વ્યાજબી અને રિજનેબલ રકમ જ મળવાપાત્ર છે જે રકમ ચુકવવામાં આવેલ છે તે બરાબર છે તેવો ખુલાસો કરેલ જ્યારે વીમાદાર તરફે મોતીયાના ઓપરેશનમાં વ્યક્તિની ઉંમર અને તેઓની કામગીરીનો પ્રકાર જોઇને જ લેન્સ નક્કી થતો હોય છે. મોતીયાના ઓપરેશન માટે કોઇ જ લિમીટ વીમા પોલીસીમાં દર્શાવેલ નથી તેમજ વીમા કંપનીએ ઓપરેશનમાં થયેલ ખર્ચ કઇ રીતે વ્યાજબી નથી તેવો કોઇ સચોટ પુરાવો રજૂ કરેલ નથી તેવી દલિલ આધારે ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફરિયાદ મંજૂર કરી નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને મેડિકલેઇમની રકમ ફરિયાદ તારીખથી ૭ ટકા વ્યાજ સાથે તેમજ શારીરિક-માનસિક ત્રાસ સાથેની રકમ ચુકવી આપવા હુકમ કર્યો છે.