Get The App

સોશ્યલ ડિસ્ટન્સના પાલનને બદલે તંત્રને કેસો-દંડમાં રસ!

- રાજકોટના રામનાથ મંદિર પછી ગુંદાવાડીમાં વિવાદ

- મનપાએ માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલતા વેપારીઓનો રોષ

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
સોશ્યલ ડિસ્ટન્સના પાલનને  બદલે તંત્રને કેસો-દંડમાં રસ! 1 - image


કાલથી રૂ.૫૦૦ લેખે દંડ લેવાશે 

રાજકોટ, તા. 30 જુલાઈ, 2020, ગુરૂવાર

એક તરફ વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવા, માસ્ક પહેરવા પર ભાર ઉપર ભાર મુકતા રહ્યા છે ત્યારે ખુદ ભાજપના અને સરકારી અધિકારીઓ દ્વારા કે તેમની ઉપસ્થિતિમાં યોજાતા કાર્યક્રમોમાં પણ વ્યવસ્થા એવી ગોઠવાય છે કે સોશ્યલ ડિસ્ટન્સના ધજ્જીયા ઉડે છે. દો ગજ કી દૂરી (૬ ફૂટનું અંતર) જળવાતું નથી. ખુદ શાસક પક્ષ છૂટછાટો લેતા કરિયાણા, મેડીકલથી માંડીને પાનની દુકાનોએ પણ ડિસ્ટન્સ જળવાતું નથી ત્યારે બીજી તરફ પોલીસ સોશ્યલ ડિસ્ટન્સના ભંગના ગુના નોંધવામાં અને મહાપાલિકા  માસ્કનો દંડ કરી કૂલ કેટલા કેસો કર્યા, કેટલી દંડની રકમ જમા થઈ તેનું જ મોનીટરીંગ થાય છે. જ્યારે  હજારો નાગરિકો સામે ફોજદારી કેસો કે દંડ વસુલાત છતાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરાં અનેક સ્થળે ઉડતા રહેતા કોરોનાને મોકળુ મેદાન મળતું રહે છે. 

રાજકોટના પ્રસિધ્ધ રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે દર્શનાર્થીઓ દર વખતે વષોર્વર્ષ ઉપટતા હોય છે, જે પોલીસ સારી રીતે જાણે છે છતાં લોકોને પહેલેથી જ અટકાવવાના બદલે ત્યાં મેદની ભેગી થઈ અને પછી પોલીસે ફરિયાદી બનીને પૂજારી સામે ગુનો નોંધતા વિવાદ થયો હતો. તાો આજે ગુંદાવાડીમાં માસ્ક નહીં પહેરવા બદલ મહાપાલિકા દ્વારા વસુલાત કરાતા વેપારીઓએ ભેગા થઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 

જો કે મનપા સૂત્રો અનુસાર મહામારીને પ્રસરતી રોકવા દરેકે માસ્ક પહેરવું અને તે પણ નાક-મોં ઢંકાય તે રીતે પહેરવું ફરજીયાત છે અને તેનો અમલ કર્યા વગર છૂટકો નથી. તો વેપારીઓ ઉપરાંત આમ નાગરિકોમાં પણ એવા સવાલો ઉઠતા રહે છે કે આખો દિવસ સતત માસ્ક પહેરવું શક્ય નથી, પાણી પીવા, પરસેવો લૂંછવા માસ્ક નીચે ઉતારવું પડે છે. અને આવું તો અધિકારીઓ, પદાધિકારીઓ પણ કરતા હોય છે.આજે મનપાએ વધુ ૩૨૦ લોકોને માસ્ક નહીં પહેરવા બદલ રૂ।.૨૦૦ લેખે ૬૪ હજારનો દંડ વસુલ્યો હતો પરંતુ, શનિવારથી આ દંડની રકમ રૂ।.૫૦૦ લેખે વસુલવામાં આવશે. 

રાજકોટમાં કોરોનાને રોકવા માસ્ક પહેરવાના નિયમનું ઘણે અંશે પાલન થતું બજારમાં જોવા મળે છે પરંતુ, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન બજારમાં કે ખુદ ભાજપના ઈ-ખાતમુહુર્તના કાર્યક્રમમાં પણ જોવા મળતું નથી. પોલીસ અને મહાપાલિકા સરકારને રિપોર્ટ કરે તેમાં આટલા સમયમાં આટલા કેસો કરી આટલી મોટી રકમનો દંડ વસુલ કર્યો તે દર્શાવી દે એટલે કોરોનાને કોઈ ફરક પડતો નથી. પરંતુ, પોલીસ અને મનપા પાસે હવે પૂરતો સ્ટાફ છે ત્યારે શહેરમાં પેટ્રોલીંગ ગોઠવીને લોકો માસ્ક વગર નીકળે નહીં, મનપા સહિત સરકારી કચેરીઓમાં  પણ તેનું પાલન થાય અને સાથે પાણી પીવા માસ્ક કાઢવા પડે તો ત્યારે તે અન્ય લોકોથી દૂર હોવા જોઈએ તેવો વિવેક પણ રખાય  અને સૌથી વધારે તો ભાજપ કે કોંગ્રેસ, પોલીસ કે વહીવટીતંત્ર કે આમ લોકો ભેગા ન થાય તે કોરોનાને રોકવા મહત્વનું છે. 

રાજકોટમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છે ત્યારે પોલીસ અને મનપાની સંયુક્ત ટીમે લોકોને ભેગા થતા જ અટકાવવા જોઈએ. ભેગા થઈ ગયા પછી ગુનો નોંધવાથી પ્રસરેલો ચેપ કાંઈ અટકી જવાનો નથી. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સના પાલન માટે મનપા-પોલીસની જવાબદારી સરકારે ફીક્સ કરવાની અને ચૂસ્ત અમલ ઘર આંગણેથી  કરી લોકો પાસે 'નિરપવાદ અમલ 'કરાવાય તો જ કોરોના પર તેની અસર થાય તેમ છે. શાસકના કાર્યક્રમમાં તમાશો જોવાય અને વિપક્ષના કાર્યક્રમમાં ઝપાઝપી કરીને અટકાયત કરાય તેનાથી કોરોનાને શુ ફરક? 

Tags :