For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બરવાળાની મેઈન બજારમાં ગટરના પાણી પ્રશ્ને ચેરમેનએ ચિમકી ઉચ્ચારતા દોડધામ

Updated: Sep 23rd, 2022

Article Content Image

- નગરપાલિકાનું આરોગ્યતંત્ર ખાડે ગયું

- છેલ્લા એક માસથી મુખ્ય બજાર અને મોચી બજારમાં રોડ પર વહેતા ગટરના દૂષિત પાણીથી અવરજવરમાં પારાવાર મુશ્કેલી

બરવાળા : બરવાળાની મેઈન બજારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રોડે ચડતા આ બાબતે તાકીદ કરવા છતા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેનની સુચનાની પણ અવગણના કરાતા આખરે ચેરમેનએ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ગાંધી ચિંન્ધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામેલ છે અને પાલિકાના નીંદ્રાધીન અધિકારીઓએ સફાળા જાગી જઈને દોડધામ શરૂ કરી છે. 

બરવાળા નગરપાલિકાનું આરોગ્યતંત્ર સાવ ખાડે ગયુ છે. છેલ્લા એક માસથી મેઈન બજારમાં ભૂગર્ભ ગટરોના પાણી ઉભરાઈને રોડ પર ચડી જાય છે જેથી લોકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. સાથોસાથ ગટરના પાણીની ગંદકી અને તીવ્ર દુર્ગંધના કારણે લોકો તેમજ મોચીબજાર અને ખત્રીદાણા દરવાજા બહારના વેપારીઓ ત્ર્યસ્ત થઈ ગયા છે. મોટા ભાગના ગામડાઓના લોકો ખરીદી કરવા માટે હાઈવે પરથી ખત્રીદાણા દરવાજા રોડ પરથી જ અવર-જવર કરે છે. પરંતુ સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ વગર વરસાદે ગટરના પાણી ઉભરાઈને રોડ પર ચડે છે. આ અંગે વેપારીઓ તરફથી અવાર-નવાર ફરીયાદો કરાય છે. પરંતુ સત્તાધીશોના બહેરા કાને ફરીયાદ સંભળાતી નથી. આ અંગે સ્થાનિક રહિશો અને વેપારીઓએ પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેનને વારંવાર ફરીયાદો કરી હતી અને ચેરમેન છેલ્લા એક માસથી તંત્રમાં લેખિત તેમજ મૌખિક સુચના આપતા રહ્યા તેમ છતા નિર્ભર બહેરા તંત્રએ તેઓની વાત પણ માની નહિ.આખરે ચેરમેનએ તેમના પ્રશ્ને ઘટતુ નહિ કરાય તો ગાંધી ચિંન્ધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારતા કચેરીમાં દોડધામ મચી ગઈ છે અને  અધિકારીઓએ એલર્ટ બનીને દોડધામ શરૂ કરી દીધી છે. નગરના મેઈન રોડ પર ગટરના ગંધાતા પાણી ઉભરાતા હોય એટલે લોકોને ફરી ફરીને ચાલવાની ફરજ પડે છે. હાલ તો તંત્રએ ગટર નહિ ઉભરાય તેવા દાવા કર્યા છે. પરંતુ સાચુ તો હવે બેથી ત્રણ દિવસમાં પાણી છોડવામાં આવે ત્યારે સાચી ખબર પડે તેમ છે. આમ, આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે મેઈન બજાર અને મોચી બજારના વેપારીઓ તેમજ રાવળ શેરીના નાકેથી ખત્રીદાણા દરવાજા બાજુ જતા રોડ પર દરરોજ ઉભરાતી ગંદી ગટરો અંગે સ્થાનિકો છાસવારે ફરીયાદો કરે છે પરંતુ તંત્રવાહકોના બહેરા કાને આ વાત અથડાતી ન હોય રહિશોમાં કચવાટ વ્યાપેલ છે.

Gujarat