રાજકોટમાં માસ્ક અંગે CPની સૂચનાને સ્ટાફ જ ગણકારતો નથી
- કેટલા પોલીસમેનો માસ્કના કેસોમાં દંડાયા તેની વિગતો જાહેર કરો
- પોલીસ કમિશનર કહે છે, માસ્ક વગરના સ્ટાફને દંડાશે અને ખાતાકીય રાહ પગલાં લેવાશે
રાજકોટ, તા. 16 જુલાઈ, 2020, ગુરૂવાર
શહેરમાં માસ્ક વગરનાં વાહનચાલકોને પકડી-પકડી દંડતી પોલીસ પોતે જ માસ્ક પહેરતી ન હોવાનો ખુલાસો થયાનાં બીજા દિવસે પણ પરિસ્થિતિ જૈસે થે જેવી રહી હતી.
ગુરૂવારે પણ કેટલાય પોલીસમેનો અને અધિકારીઓ માસ્ક વગર નજરે પડયા હતા. પોતાના જ ખાતામાં હેલ્મેટની જેમ માસ્કનો નિયમ ફરજીયાત બનાવવામાં નિષ્ફળ નીવડયા છે. જો કે અગાઉ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટાફને માસ્ક પહેરવા સૂચના આપી હતી, પરંતુ સૂચનાને તેમનાં તાબા હેઠળનાં માણસો ગણકારતા ન હોય અને ગંભીરતાથી લેતું ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગઈકાલે પોલીસ કમિશનર કચેરીમાં જ અનેક અધિકારીઓ અને પોલીસમેનો માસ્ક વગર આંટાફેરા કરતાં જોવા મળ્યા હતા. આ સ્થિતિમાં પોલીસ કમિશનર, ડીસીપી સહિતનાં અધિકારીઓ જો પોતાની ચેમ્બરોની બહાર નીકળવાની તસ્દી લે તો પણ અનેક પોલીસમેનો અને અધિકારીઓ દંડાય તેમ છે.
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું કે માસ્કનો નિયમ પોલીસ માટે પણ ફરજિયાત છે અને જે પોલીસમેનો માસ્ક વગર મળશે તો તેની પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસુલાશે. સાથોસાથ ખાતાકીય રાહે પણ પગલાં લેવામાં આવશે.
જો કે માસ્કના કેસો કરવાની પોલીસને સત્તા છે અને પોલીસ પોતાના સ્ટાફને દંડતી નથી તે જગજાહેર છે. આ સ્થિતિમાં કોઈ પોલીસમેનો કે અધિકારીઓ જો માસ્ક વગર નીકળેતો તેમને કોઈ પકડવાવાળું નથી. ભારે દંડ વસુલવા અને ખાતાકીય રાહે પગલાં લેવાની પોલીસ કમિશનરની જાહેરાતનું કોઈ મહત્ત્વ રહેતું નથી.
ઉચ્ચ પેલીસ અધિકારીઓ પોતાની ચેમ્બરોમાંથી સિટીંગ, મિટીંગ અને વીઆઈપીઓને મળવામાંથી ફ્રી થઈ અને ફિલ્ડમાં નીકળે તો જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તેમ છે. પરંતુ કમનસીબે તેવું થતું નથી.
શહેર પોલીસ અત્યાર સુધી માસ્ક વગરનાં સંખ્યાબંધ લોકોને દંડી ચૂકી છે. જેમાં એક પણ પોલીસમેન હોય તેવું આજ સુધી ધ્યાને આવ્યું નથી. જેને કારણે માસ્કનો નિયમ માત્ર સામાન્ય પ્રજા માટે જ છે, પોલીસ માટે નહીં તે દિવા જેવી સ્પષ્ટ બાબત બની ગઈ છે.