ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ધીમી ગતીએ શીંગ તથા કપાસની આવક શરૂ
ભાવનગર, તા. 08 નવેમ્બર 2019, શુક્રવાર
'મહા' વાવાઝોડાની આગાહીના પગલે અને જગ્યાના અભાવ વચ્ચે ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં નવી આવક પર રોક લગાવી દેવાઇ હતી. જોકે હવે વાવાઝોડાની આફત ટળી જતા તંત્રએ અને ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે અને ગઇકાલે 50 ટકાની આવક આજે 100 ટકા સુધી પહોંચી હતી.
ગુજરાતના દરીયાકાંઠે 'મહા' વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે વહીવટી તંત્ર અલર્ટ થયુ હતું અને બે-ત્રણ નંબરના સીગ્નલો પણ લાગી ગયા હતા. જે સંભવિત વાવાઝોડાથી આગાહીના પગલે ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આવતા અનાજ કઠોળ, કપાસની આવકને નિષ્ફળ જતા બચાવવા આવક બંધ કરી દેવાઇ હતી. જોકે સંભવિત 'મહા' વાવાઝોડાનો ભય ટળ્યો છે.
ત્યારે ધીમી ગતિએ હરાજીનું કામ શરૂ થતા આવક શરૂ થવા પામી હતી અને ગઇકાલે ૩૫૦૦ કટા શીંગના અને 890 ગાસડી કપાસની આવક થવા પામી હતી. આમ 50 ટકા આવક થયા બાદ આજે સવારથી તડકો નિકળતા અને હવામાન ચોખ્ખુ થતા ખેડૂતો પોતાના મોલને વેચવા યાર્ડ તરફ પ્રયાણ શરૂ કર્યું હતું. અને શેડમાં પડેલ માલના સોદા થતા જગ્યા થતા નવી આવક સારી માત્રામાં આવવાનું શરૂ થયું હતું. આમ યાર્ડમાં આવક શરૂ થતા ખેડૂતોની આર્થિક સ્થિતિનું રોટેશન પણ શરૂ થવા પામ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.