ભાવનગરમાં ઠંડીનું જોર વધ્યું, પારો ગગડીને 16 ડિગ્રી નીચે
- સતત ત્રીજા દિવસે શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા
- 18 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફૂંકાતા બાળકો અને વૃધ્ધોની કફોડી હાલત, રાત્રે તાપણાં બેઠક સાથે વાડીઓમાં ઓળા-રોટલાની પાર્ટીની જમાવટ
ભાવનગર,17 ડીસેમ્બર 2019 મંગળવાર
ભાવનગર શહેરમાં ઠંડીની હેટ્રીકને કારણે જનજીવન પર તેની માઠી અસર પડી છે. આજે ફરી ૧૮ કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફૂંકાતા ભાવનગરમાં ઠંડીનું જોર વધ્યું હતું. ભાવનગર જાણે શીમલા, કાશ્મીર બની ગયું હોય તેમ આખો દિવસ વાતાવરણ ટાઢુંબોળ રહ્યું હતું. જેના કારણે શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા.
ભાવનગરમાં ડિસેમ્બરના બીજા પખવાડિયાથી શિયાળાની ખરી જમાવટ શરૂ થઈ ગઈ છે. સતત ત્રીજા દિવસે થથરાવતી ઠંડીના અનુભવથી વહેલી સવાર, મોડી રાત બાદ લોકોએ ઘરમાં જ પૂરાઈ રહેવું વધુ હિતાવહ સમજ્યું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાની અસરને કારણે ભાવનગરમાં પણ સતત ત્રીજા દિવસે ૧૮ કિ.મી.ની ઝડપે બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યો છે. સુસવાટા મારતા ટાઢાબોળ પવન અને વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં જ ઘટીને ૧૬ ડિગ્રીની નીચે પહોંચી ગયું હતું. તો મહત્તમ તાપમાનમાં સીધો ૧.૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હજુ આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો વધશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ત્યારે અત્યારે પડી રહેલી ઠંડીએ પણ બાળકો અને વૃધ્ધોની હાલત કફોડી કરી નાંખી છે. શહેરીજનો ઠંડીથી બચવા ઘર-ઓફિસોમાં પંખા, એ.સી.ની સાથે બારી-બારણાં પણ બંધ રાખવા માંડયા છે. તો રાત્રે જગ્યાએ જગ્યાએ તાપણાં બેઠક થવા માંડી છે. વળી, શિયાળાની જમાવટ વચ્ચે સ્વાદપ્રિય જનતા ગામડે વાડીઓમાં જઈ ઓળા-રોટલાની પાર્ટી પણ ગોઠવી રહ્યા છે.
આજે શહેરનું મહત્તમ તાપમાન ૨૪.૯, લઘુતમ તાપમાન ૧૫.૯, ભેજનું પ્રમાણ ૫૮ ટકા અને પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિકલાકની નોંધાઈ હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.