ભાવનગરમાં ડેંગ્યુનો કહેર યથાવત, વધુ 10 કેસ નોંધાયા
ભાવનગર, તા. 12 નવેમ્બર 2019, મંગળવાર
ભાવનગર શહેર અને જિલ્લામાં ડેંગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે ભાવનગર શહેરમાં પ અને જિલ્લામાં પ ડેંગ્યુના પાંચ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામેલ છે. ડેંગ્યુના કેસ અટકાવવા માટે આરોગ્ય વિભાગ લાલ આંખ કરવી જરૂરી બની રહે છે.
ડેંગ્યુના કહેર ભાવનગર શહેર અને જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે ભાવનગર શહેર અને જિલ્લામાં ડેંગ્યના દસ પોઝીટીવ કેસ નોંધાયા હોવાનુ આરોગ્ય વિભાગે જણાવેલ છે, જેમાં શહેરમાં પાંચ અને જિલ્લામાં પાંચ ડેંગ્યુના કેસનો સમાવેશ થાય છે. ગત બે દિવસ શહેરમાં ડેંગ્યુના દસ પોઝીટીવ કેસ નોંધાયા હતા, જયારે ડેંગ્યુ સહિતનો રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે શહેરમાં વધુ પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી બની રહે છે.
મહાપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં હજુ રોગચાળો અટકયો નથી, જે ગંભીર બાબત છે. રોગચાળાના પગલે દવાખાના-હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહ્યા છે. ડેંગ્યુની ઝપેટમાં અનેક લોકો આવી ગયા છે તેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે આરોગ્ય વિભાગે ડેંગ્યુના કેસ અટકાવવા માટે આયોજન કરી કામગીરી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. ડેંગ્યુ સહિતનો રોગચાળો વધતા લોકોની ચિંતા વધી છે અને લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.
છેલ્લા બે-અઢી માસમાં ડેંગ્યુના કેસમાં ચિંતાજનક વધારો છે ત્યારે ડેંગ્યુને અટકાવવા આરોગ્ય વિભાગે પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. ડેંગ્યુના કેસ વધતા લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. ડેંગ્યુના કેસ અટકાવવા લોેકોએ ઘર, ઓફીસ વગેરે સ્થળે સ્વચ્છતા રાખવા આરોગ્ય વિભાગે જણાવેલ છે.