Get The App

ભાવનગર : આને કહેવાય કોઠા સૂઝ: 5 ધોરણ ભણેલા ખેડુતે 2 વિઘા જમીનમાં નવતર ખેતીથી 3 ગણી આવક કરી

Updated: Jul 3rd, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર : આને કહેવાય કોઠા સૂઝ: 5 ધોરણ ભણેલા ખેડુતે 2 વિઘા જમીનમાં નવતર ખેતીથી 3 ગણી આવક કરી 1 - image

ભાવનગર, તા. 03 જુલાઇ 2019, બુધવાર

સિહોર તાલુકાના આંબલા ગામે માત્ર બે વિઘા જમીન ધરાવતા ખેડૂતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ટપક સિંચાઇ પધ્ધતિની મદદથી ત્રણ વર્ષમાં ઉત્પાદન બમણુ અને આવક ત્રણ ગણી કરી બતાવી છે. જામફળ અને લીંબુના સહિયારા પાકથી વર્ષે ત્રણ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે.

રાજ્યની ખેતીને સમૃધ્ધ બનાવી, ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરવા માટે કૃષિ, પશુપાલન અને બાગાયત વિભાગ દ્વારા કાર્યરત આત્મા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન મેળવી ભાવનગર જિલ્લાના સિહોરના આંબલા ગામે રહેતા અને માત્ર 5 ધોરણ ભણેલા પરબતભાઇ પટેલે કૃષિ વિભાગની સૈધ્ધાંતિક અને આર્થિક સહાય તેમજ પોતાની કોઠાસૂઝથી માત્ર 2 વિઘા જમીનમાં 9363 કિલો જામફળનું ઉત્પાદન કરી રૂ. 224,960નો ચોખ્ખો નફો મેળવવાની અનેરી સિધ્ધિ હાંસલ કરી છે. સાથે જ લીંબુના પાકમાંથી વધારાની ૮૦ હજારની આવક રળી રહ્યા છે.

ભાવનગરના જામફળ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે અને તેમાંય વળી દેશી લાલ જામફળની તો વાત જ અનેરી છે. ભાવનગરના આંબલા ગામના ખેડૂત પરંપરાગત રીતે ખેતી સાથે સંકળાયેલા છે. પોતાનો અનુભવ દર્શાવતા પરબતભાઇ જણાવે છે કે, 5-6 વર્ષ પહેલા અમે ખેડૂત મંડળ બનાવ્યું હતું. જેમાં જિલ્લાની આત્મા ટીમ દ્વારા લીંબુ અને જામફળની ખેતી વિશે માહિતી આપવામાં આવતી. જો કે, મારા ખેતરમાં કુવાનું પાણી ડૂકી ગયું હોઇ, સરકારી યોજનાની મદદથી અઢી વીઘા જમીનમાં સબસિડાઇઝ્ડ ડ્રિપ ઇરિગેશન માટે પાણીની લાઇન મેળવી અને જામફળની ખેતી શરૂ કરી.

બીજી તરફ તેમણે ખાતરનો ઉપયોગ જરૂરિયાત પુરતો જ કર્યો. જેના થકી વર્ષ 2015-16માં 4282 કિલો જામફળનું ઉત્પાદન થયું જેમાંથી રૂ. 81,872ની ચોખ્ખી આવક થઇ. ત્યાર પછીના વર્ષે આવક દોઢ ગણી થઇ અને વર્ષ 2017-18માં ઉત્પાદન 9363 કિલો સુધી પહોંચ્યુ અને ચોખ્ખો નફો રૂ. 224,960ને આંબી ગયો.

આ ઉપરાંત જામફળની સાથોસાથ તેમણે લીંબુ પણ વાવ્યા હતા. એક જામફળનો છોડ અને એક લીંબુનો છોડ એમ કુલ ચાર જામફળની વચ્ચે એક લીંબુનો છોડ આવે એવી રોપણી તેમણે કરી હતી. લીંબુને ઉઝરવામાં બે વર્ષ લાગે. એટલે પ્રથમ બે વર્ષની માવજત પછી ગયા વર્ષે તેમણે લીંબુમાંથી પણ વધારાની 80 હજારની આવક મેળવી અને આ બધુ જ માત્ર અઢી વીઘા જમીનમાંથી !

ગયા વર્ષે ભાવનગર જિલ્લામાં વરસાદ સરેરાશ કરતા 74% વરસ્યો હતો ત્યારે પરબતભાઇએ ડ્રિપ ઇરિગેશન માટે ઓછા હોર્સપાવરની મોટરનો ઉપયોગ કરી પિયત આપી જેના કારણએ વીજળી અને પાણીનો બચાવ તો થયો જ પરંતુ પિયત અને ખાતરના ખર્ચમાં 80% સુધીનો ઘટાડો કરી શકાયો. આનું પરિણામ એ આવ્યું કે, સરેરાશ વર્ષ નબળું હોવા છતાં આવકમાં નોંધપાત્ર ફરક ન પડયો.
Tags :