1990માં ભાવનગર જિલ્લામાંથી 161 કારસેવક અયોધ્યા ગયા હતા
ભાવનગર, તા. 10 નવેમ્બર 2019, રવિવાર
બહુચર્ચિત, બહુવિવાદિત અયોધ્યા રામ મંદિર કેસનો આજે દેશની સર્વોચ્ચ અદાલતે અંતિમ ચુકાદો જાહેર કર્યો હતો. રામજન્મ ભૂમિ અયોધ્યામાં રામલલ્લાના મંદિરના નિર્માણ માટે ભૂતકાળમાં થયેલા આંદોલનો સાથે ભાવનગરનો પણ નાતો જોડાયેલો છે. આજથી 19 વર્ષ પહેલા ભાવનગર જિલ્લામાંથી 161 કારસેવકો અયોધ્યા ગયા હતા. જ્યાંથી આ કારસેવકો 14મા દિવસે ભાવનગર પરત ફરતા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણ અંગે આજે શનિવારે ઐતિહાસિક ચુકાદો આપી અયોધ્યાના અધ્યાય પર કાયમ માટે પૂર્ણિવિરામ મુકી દીધો છે. મંદિર અને મસ્જિદનો વિવાદ આમ તો સદીઓ પુરાણો છે. પરંતુ છેલ્લા સાત દાયકાથી આ કેસ કોર્ટમાં ચાલતો હોય જેનો આજે અંતિમ ચુકાદો આવ્યો છે. રામજન્મ ભૂમિ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂતકાળમાં થયેલા આંદોલનોમાં ભાવનગરનો કારસેવકો પણ જોડાયા હતા.
વર્ષ 1990ની 25મી સપ્ટેમ્બરે ચલો સોમનાથથી અયોધ્યા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં દેશભરની સાથે ભાવનગર જિલ્લામાંથી 161 કારસેવક લાભ પાંચમ બાદ અયોધ્યા જવા નીકળ્યા હતા. તે સમયે રાજ્યભરમાં પોલીસ ધરપકડના દૌર વચ્ચે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે કારસેવકો રાત્રિના સયમે રેલવે સ્ટેશન પાસે એકત્રિત થયા હતા અને વેશપલટો કરી સવારે 5.30 કલાકની ઈન્ટરસિટી ટ્રેનમાં બેસી તમામ કારસેવકો અમદાવાદ પહોંચ્યા હતા.
મોટી સંખ્યામાં કારસેવકો અમદાવાદ પહોંચ્યા હોવાની જાણ થતાં પોલીસે તમામની ધરપકડ કરી સાબરમતી જેલમાં ધકેલી દીધા હતા. અહીં કારસેવકોએ હંગામો મચાવતા પોલીસને તેમને છોડી મુકવાની ફરજ પડી હતી. ત્યારબાદ કારસેવકો અમદાવાદથી અયોધ્યા જવા નીકળ્યા હતા. દિલ્હીથી અયોધ્યા વચ્ચે પોલીસે ટ્રેનને થંભાવતા સંતરામ મંદિરના મહંત સહિતનાઓ સાથે ઘર્ષણ થયું હતું.

અહીં મામલો માંડ શાંત પડયો ત્યાં ઉત્તર પ્રદેશના ટુંડલા રેલવે સ્ટેશને ટ્રેનને રોકી પોલીસે કાર્યકરોની ધરપકડ કરી અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. જેની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ મદદે દોડી આવી કારસેવકોને છોડાવ્યા હતા અને આર્ય સમાજમાં ઉતારો આપી ખાણી-પીણીની વ્યવસ્થા કરી અપાઈ હતી.
બીજા દિવસે આગ્રામાં નીકળેલી રેલીમાં પણ ભાવનગર સહિત દેશભરમાંથી ઉમટેલા કારસેવકોને પોલીસે અટકાયત કરી આગ્રા સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધા હતા. કારસેવકોની સંખ્યા એટલી મોટી હતી કે, તેમને રાખવા માટે જગ્યા ટૂંકી પડી હતી. ધરપકડના દૌર વચ્ચે પણ કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાંથી 14મા દિવસે સાધુ-સંતો, મહંતો અને વાહિની પ્રમુખ કિશોર ભટ્ટ, સહવાહિની પ્રમુખ કિરીટ વ્યાસ સહિતના 161 કારસેવકો ભાવનગર પરત ફર્યા હતા. અયોધ્યાથી પરત ફરેલા તમામ કારસેવકોનું શહેરના ઘોઘાગેટ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું.