ભાવનગર: કાળીયાબીડમાં ગેરકાયદે બાંધકામ રહીશોએ અટકાવ્યુ
ભાવનગર, તા. 20 નવેમ્બર 2019, બુધવાર
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ અયોધ્યાનગરના એક પ્લોટમાં નિયમ મુજબ બાંધકામ થતુ હોવાથી સ્થાનીક રહીશોએ બાંધકામ અટકાવ્યુ હતુ અને આ બાબતે મહાપાલિકાને લેખીત ફરિયાદ કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામને મંજુરી નહી આપવા માંગણી ઉઠી છે.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં આવેલ એક પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થતુ હતું. સ્ટ્રકચર, પ્લાન વિરૂધ્ધ ગેરકાયદે બાંધકામ થતા સ્થાનીક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને રહીશોએ બાંધકામ અટકાવી દીધુ હતું. આ બાબતે સ્થાનીક રહીશ વનરાજસિંહ ડી. ગોહિલે મહાપાલિકાને લેખીત રજુઆત કરી છે અને તત્કાલ પગલા લેવા માંગણી કરી છે.
મુળ માલિકે આ મકાન અન્ય લોકોને વેચી દીધુ છે અને તેઓ દ્વારા મકાન પાડી નવુ બનાવવામાં આવી રહ્યુ છે. જુના મકાનોના સ્ટ્રકચર, બાંધકામમાં ફેરફાર કરી બીજો પ્લાન બનાવી જીરો લેવલથી બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. મહાપાલિકાના નીતી-નિયમો વિરૂધ્ધ કોર્પોરેશનની કોઈપણ પૂર્વ મંજુરી વગર ફકત જુના મકાનો ખરીદી કરી તેને પાડી નવા મકાનો બનાવી વેચવાના ધંધાના અંગત લાભ ખાતર આ મકાન એ અને બી ભાગ પ્લાન કરી 162 વારના પ્લોટમાં બે મકાનોનુ બાંધકામ શરૂ કરવામાં આવેલ છે.