ડુંગળીની નિકાસબંધી નહીં હટાવાય તો પોષણક્ષમ ભાવો હજુ ઘટવાની વકી
- ભાવ. યાર્ડના ચેરમેને કૃષિમંત્રીને પત્ર લખ્યો
- પુરતા ભાવ જો ખેડૂતોને નહીં મળે તો આગામી વર્ષે વાવેતર પર વિપરીત અસરની ભીતિ
ભાવનગર, તા.06 ફેબ્રુઆરી ગુરૂવાર 2020
ડુંગળીની નિકાસબંધી નહીં હટાવાય તો ખેડૂતોને મળતા પોષણક્ષમ ભાવો નીચા જશે અને આગામી વાવેતરમાં વિપરીત અસર થશે જેથી આગામી વર્ષ પણ કપરૃ બની રહે જેથી તાકીદે આ નિકાસબંધી હટાવવા ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન દ્વારા કૃષિમંત્રીને રજૂઆત કરી છે.
આપણો દેશ વિપરીત હવામાનના કારણે અનિયમિત અને ઓછા ડુંગળી વાવેતરથી ભયંકર અછત અનુભવી રહ્યો છે જેના કારણે ખાનાર વર્ગનું રસોડાનું બજેટ વેરવીખેર થતું અનુભવ્યું છે જેથી કેન્દ્ર સરકારે આયાત કરવાનો નિર્ણય લેતા અને દેશની ડુંગળી બહાર જતા અટકાવવાનો નિર્ણય લેતા અમુક અંશે રાહત મળી છે.
હાલ ડુંગળીનું અનિયમિત પણ બહોળા પ્રમાણમાં વાવેતર થયેલ જે બજારમાં આવવી શરૃ થયેલ છે અને ભાવો પણ નીચા આવી રહ્યાં છે. આગામી દિવસોમાં કદાચ રૃા.૧૦ પ્રતિ કીલો આસપાસ ભાવે મળવા માંડશે એવું અનુમાન નકારી શકાતું નથી. હવે ટૂંક સમયમાં જો ડુંગળીની નિકાસબંધી નહીં હટાવાય તો તેની અસર ડુંગળીના પોષણક્ષમ ભાવોથી હજુ નીચા જઇ શકે છે જેની સીધી વિપરીત અસર ખેડૂતના આગામી ડુંગળી વાવેતર પર પડશે જેથી આગામી વર્ષોમાં પાછી ડુંગળીની અછત ભોગવવાનો વારો આવી શકે છે જેથી આવી વિપરીત અસર ખેડૂત આલમમાં ન પડે તે માટે તાત્કાલીક ધોરણે નિકાસબંધી હટાવવા ભાવનગર યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેને કૃષિમંત્રીને રજૂઆત કરી છે.