મોણપરના યુવાનની હત્યા મામલે ઝડપાયેલ પતિ-પત્ની જેલ હવાલે
- આડસબંધને લઇ મહિલાને મળવા જતા યુવાનની થઇ હતી હત્યા
- શખસની ધરપકડ કરી રિમાન્ડ મેળવાયા બાદ પત્નીની અટક કરાઇ હતી
ભાવનગર,તા. 12 જાન્યુઆરી 2020, રવિવાર
પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના યુવાનની હત્યા મામલે મૃતક યુવાનના ભાઈએ મોણપરના સરપંચ સહિત ૧૧ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખસની ધરપકડ કરી લીધા બાદ પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં અને તપાસ દરમિયાન નામ ખુલતા વધુ એક મહિલાની ધરપકડ કરાઇ હતી દરમિયાન ગઇકાલે સાંજના બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે જેસર ચોકડી બંગલા પરામાં રહેતા પ્રવિણભાઈ ગોબરભાઈ રાઠોડ (ઉ.વ.૩૫)એ બગદાણા પોલીસ મથકમાં મહુવા તાલુકાના મોણપર ગામે રહેતા રમેશ ભાણાભાઈ રાઠોડ, કાંતી ડાયાભાઈ રાઠોડ, અશોક જીવાભાઈ રાઠોડ, જેરામ ગીગાભાઈ રાઠોડ, જીવા ભાણાભાઈ રાઠોડ, મોહન ભાણાભાઈ રાઠોડ, જેન્તી ભાણાભાઈ રાઠોડ, રહીમ કાદુભાઈ, મોણપર ગામના સરપંચ, અજાણ્યા ખસિયા દરબાર, એક અજાણ્યો શખસ અને એક યુવતી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા. ૪-૧ના રોજ રાત્રિના ૧૦.૩૦ કલાકના અરસા દરમિયાન યુવતીએ તેના ભાઈ પાતાભાઈ ગોબરભાઈ રાઠોડ (ઉ.વ.૨૫)ની તમામે એકબીજાને મદદગારી કરી તેના ભાઈની હત્યા કરી નાખી મૃતદેહ સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો. ઉક્ત ફરિયાદ અનુસંધાને બગદાણા પોલીસે તમામ સામે આઈપીસી ૩૦૨, ૨૦૧, ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
બગદાણા પોલીસે રક્તરંજીત ઘટનાની તપાસ હાથ ધરી રમેશ રાઠોડની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. શખસની પુછપરછમાં રમેશ રાઠોડની પત્ની મીનાબેનનું નામ ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. બાદ ગઇકાલે સાંજના પતિ-પત્ની બંનેને કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટના આદેશ તળે જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં.
પોલીસ તપાસ દરમિયાન મૃતક પાતાભાઇ તેને મહિલા સાથે આડસબંધ હોય જેથી મોણપર ગામના મહિલાને મળવા ગયો હતો જ્યાં ઝપાઝપી થતા પાતાભાઇએ તેના કબજામાં રહેલ છરી કાઢી હતી જે છરી આંચકી તેનું તે જ છરીથી ગળુ કાપી હત્યા કરી નાખ્યા બાદ મકાનથી ૭૦૦ મીટર દૂર આવેલ અવાવરૂ જગ્યાએ લઇ જઇ મૃતદેહને સળગાવી નાખ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.