ઉચ્ચ શિક્ષણ સાથે માનવતાવાદી ભાવ ઊભો થવો જોઈએ: રાજ્યપાલ
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યૂનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે મેડલ અને પ્રાઈઝ એનાયત થયાં
ભાવનગર, તા. 23 ડિસેમ્બર 2019, સોમવાર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યૂનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યાં હતાં. દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યાં. તેમણે કહ્યું, દીક્ષાંત સમારોહનો સમય ભાવપૂર્ણ હોય છે. આજે અહીં પ્રાધ્યાપક, અધ્યપક અને વિદ્યાર્થીઓના બેસવાથી જ આ સમારોહ શક્ય બન્યો છે.
રાજ્યપાલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરતા કહ્યું કે, ભારતને એક કરવાનું જે સ્વપ્ન હતું તેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી આગળ આવ્યા અને તેમણે સૌથી મોટું અને પ્રથમ યોગદાન આપ્યું તે અભિનંદનને પાત્ર છે. તેમણે પદવી લેનારા વિદ્યાર્થીઓને તૈત્તરિય ઉપનિષદના મંત્ર સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ: ના મંત્ર સમજાવી તેને જીવનમાં વણવા જણાવ્યું.

રાજ્યપાલે જણાવ્યું કે, દુનિયામાં ખેતી અને વિદ્યા આ બંન્નેના સંભાળવામાં આવી નહી તો બધું જ નષ્ટ થઈ જાય છે. તેથી ભણ્યા બાદ પણ અધ્યયન શરૂ રાખજો અને જે શિખ્ય છો તે અન્યને વહેંચજો કારણ કે, વિદ્યા જેટલી વહેંચશો તેટલી વધશે. આજે આપણે ઉચ્ચ શિક્ષણ મેળવીએ છીએ પરંતુ જે વ્યક્તિમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા છતાં માનવતાવાદી ભાવ ઊભો નહી થાય તો તે વ્યક્તિ તે પથ્થર સમાન છે જેના પર જલ્લાદ હજારો પ્રાણીઓનો વધ કરે છે. પરંતુ આત્મા નહી હોવાના કારણે તે પથ્થર એક પણ આસું નહી વહાવી શકે. તેથી માનવતાવાદી ભાવ આપણામાં ઉદ્ભવવો જોઈએ.
અંતે તેમણે વિદ્યાર્થીઓને શુભકામના આપતા જણાવ્યું કે, જીવનમાં દરેક ક્ષેત્રમાં પૂર્ણસફળ થાય, દેશ-સમાજની સેવા કરે, પોતાના પરિવારની સમૃદ્ધી વધારે અને સુખ શાંતિના વાતાવરણમાં સહયોગી બને.
ઉલ્લેખનિય છે કે, મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યૂનવર્સિટીના આ છઠ્ઠા પદવીદાન સમારોહમાં વર્ષ 2019 પહેલાંની પરિક્ષામાં ઉતિર્ણ થયેલા કુલ 8635 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી તેમજ શૈક્ષણિક વર્ષ-2018 અને 2019માં યૂનિવર્સિટીમાં પ્રથમ આવનારને મેડલ અને પ્રાઈઝ આપવામાં આવી.