ઉપલેટાના ગણોદમાં ભારે વરસાદના કારણે 7 લોકો તણાયા
- રેસ્ક્યુ ટીમે બાળક સહિત તમામને બચાવી લીધા
ધોરાજી, તા. 08 જુલાઈ 2020, બુધવાર
ઉપલેટા તાલુકાના ગણોદમાં ભારે વરસાદને કારણે સાત લોકો પાણીમાં તણાયા હતા. તાત્કાલિક અસરથી રેસ્ક્યુ ટીમે ત્રણ મહિલા, ત્રણ પુરુષો અને એક બાળક સહિત કુલ સાત વ્યક્તિઓને પાણીમાંથી બચાવ્યા હતા.
પંથકમાં ભારે વરસાદને કારણે તમામ ડેમ ઓવરફલો થવાના કારણે ગણોદ ગામે ખેતરોમાં રહેતા મજૂરો પાણીમાં તણાયા હોવાના ખબર મળતાં ધોરાજીના ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ ગોંડલ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક પહોંચ્યા હતા.
ગણોદ ગામના ખેતરોમાં ત્રણ મહિલાઓ, ત્રણ પુરુષો અને એક બાળક મળીને કુલ સાત વ્યક્તિઓને બચાવ્યા હતા અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યાં હતાં. આ સમયે ડેપ્યુટી કલેક્ટરની ટીમે ગણોદ, ચરેલિયા વેણુ 2 ડેમ, ગધેથડ, મોટી પાનેલી, જૂનો ડેમ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક ભારે વરસાદને કારણે કોઈ પરેશાન ન થાય તે બાબતે પગલાં લીધાં હતાં.