Gujarat

કલેકટરને " કેસ કઢાવી આવો " કહ્યું ને મહિલા તબીબની રાતોરાત ભુજ બદલી

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
કલેકટરને " કેસ કઢાવી આવો " કહ્યું ને મહિલા તબીબની રાતોરાત ભુજ બદલી

રાજકોટ : રાજકોટ સિવિલમાં આમ તો દર્દીઓ અને તેમનાં આપ્તજનો સાથે મેડિકલ સ્ટાફના ઉદ્ધત વર્તનની અનેક ફરિયાદો ઉઠતી રહે છે પણ  જિલ્લા કલેકટર સાથે નિયમોની ભાષામાં વાત કરવાનું એક મહિલા તબીબને ભારે પડી ગયું !

બન્યું એવું કે ગત મોડી સાંજે હાર્વે ક્લબમાં અધિકારીઓ બેડમિંગટન રમતા હતા તે વખતે રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સિંઘ લપસી પડતાં હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. કલેકટર અરુણ મહેશ બાબુ તેને પોતાની કારમાં લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઇમરજન્સી વિભાગમાં જઈને તેમણે ઇજાગ્રસ્તની સારવાર કરવા કહ્યું હતું. ફરજ પરના મહિલા તબીબે તેને કેસ કઢાવી લાવવાનું કહેતા બાબુએ  કલેકટર તરીકેની પોતાની ઓળખાણ આપી હતી. ડોકટરે તેમને સંભળાવી દીધું કે ગમે તે હોય, પહેલાં કેસ તો કઢાવવો જ પડશે! વાત જાણે વટે ચડી ગઈ અને કલેકટરે સિવિલ અધિક્ષકને ફોન કરતાં તે દોડી આવ્યા હતા. નાયબ મ્યુનિ. કમિશનરની પાટાપિંડી તો થઈ ગઈ પરંતુ અહમનો ઘા ઊંડો હોય કે ગમે તેમ પણ તે મહિલા તબીબને ભુજ મૂકી દેવામાં આવ્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીએ આ મુદ્દે કહ્યું કે એ તો એક ગેર સમજણ થઈ ગઈ હતી, જે તુરંત દૂર પણ થઈ ગઈ, જ્યારે મહિલા તબીબને ડેપ્યુંટેશન પર મૂકવામાં આવ્યા છે, જ્યાં ડોકટર ન હોય ત્યાં મોકલવા તે એક રૂટિન પ્રોસીજર છે.