Updated: May 25th, 2023
વર્ષોથી કામ કરતા ખેતમજૂરના દિકરાને જમીન ભાગવી રાખવાની ના પાડતા ગુંડાઓને બોલાવ્યા
માથાભારે શખ્સોએ વાવેતર કરી મોટી ઝૂંપડી બનાવી તાર ફેન્સીંગનો સામાન ખડકી દીધો ઃ પિતા-પુત્રો સહિત છ પૈકીના પાંચ શખ્સની ધરપકડ
ભાવનગર: ભાવનગરના છેવાડે આવેલા રૂવા ગામે ૯ વીઘા ખેતીની જમીનને હડપવા માટે વર્ષોથી કામ કરતા ખેતમજૂરના દિકરાએ ગુડ્ડાઓને બોલાવી પિતા-પુત્રને જમીનના કાગળ ઉપર સહી કરી દેવા હથિયારો દેખાડી મારી નાંખવા ધમકી આપ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો માથાભારે શખ્સ સહિત છ સામે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર મળી પાંચ શખ્સની ધરપકડ કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એરપોર્ટ રોડ, મહિલા કોલેજની પાછળ, ગોવિંદમુખીની ચાલી, પટેલ પાર્ક, પ્લોટ નં.૯૨૪-બીમાં રહેતા ધર્મેશભાઈ દામોદરભાઈ પટેલના પિતાને રૂવા ગામે સર્વે નં.૭૨, ખાતા નં.૩૬૯ની આશરે નવ વીઘા વડીલો પાર્જીત જમીન આવેલી હોય, ગત તા.૧૫-૫ના રોજ સવારના સમયે વયોવૃધ્ધ દામોદરભાઈ જમીન ખેડવા માટે રૂવા ગામે જતાં ત્યાં ઘણાં વર્ષોથી કામ કરતા ચિથરભાઈનો દિકરો રામો આલગોતર આવ્યો હતો અને જમીનને ભાગવી રાખવાનું કહેતા દામોદરભાઈએ ભાગવી વાવવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઈ જઈ ગાળો દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે તા.૧૬-૫ના રોજ ધર્મેશભાઈ અને તેમના પિતા દામોદરભાઈ પોતાની જમીને ગયા હતા. ત્યારે લાલા અમરા, રામો આલગોતર આવી આ જમીન હવે લાલાભાઈની થઈ ગઈ અહીં દેખાશો તો તમને બાપ-દિકરાને ખાડો કરીને દાંટી દઈશ તેવી ધમકી આપી હતી. તેમજ લાલા અમરાના બે પુત્ર અંકુશ અને અભિ નામના શખ્સોએ પાનના ગલ્લે આવી અમે અગાઉ ખૂન કરેલા છે, એટલે તમને પણ મારી નાંખશું તો કાંઈ ફેર નહીં પડે, તમારી જમીન ભૂલી જાઓ તેવી ધમકી આપી હતી.
દરમિયાનમાં ગત તા.૨૪-૫ના રોજ સાંજના સમયે ધર્મેશભાઈ પટેલ તેમના ભાઈઓ સાથે રૂવા ગામે પોતાની જમીને જતાં જમીનને ખેડીને વાવેતર કરાયેલું હતું. તેમજ કાચી ઝૂંપડી પાડી પતરાની મોટી ઝૂંપડી બનાવી ફરતે તાર ફેન્સીંગ કરવા માટે સામાન અને કોશ જોવા મળી હતી. આ સમયે એક ફોરવ્હીલ નં.જીજે.૦૩.ઈસી.૭૨૯૯ અને બે બાઈકમાં લાલા અમરા, તેનો દિકરો અંકુશ અને અભી, યુવરાજસિંહ જાડેજા, વિજય આલગોતર, રામા આલગોતર સહિતના શખ્સોએ આવી વાહનોમાંથી લોખંડના પાઈપ, લાકડાના ધોકા કાઢી ગાળો દઈ તમે બધા આ કાગળોમાં સહી કરી આપો તો જ તમને જીવતા જવા દઈશું નહીંતર અહીં જ પતાવી દેશું તેવી ધમકી આપી હતી.
ચકચાર મચાવનારા આ બનાવ અંગે ધર્મેશભાઈ પટેલે મોડી રાત્રિના સમયે ઉપરોક્ત છ ગુડ્ડા તત્ત્વો સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૮૭, ૪૪૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (ર), ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં જ યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, રામા ચિથરભાઈ આલગોતર, વિજય વશરામભાઈ આલગોતર, લાલા અમરાભાઈ આલગોતર અને તેનો પુત્ર અભી આલગોતર સહિત પાંચ શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે લાલાનો દિકરો અંકુશ નામનો શખ્સ ફરાર થઈ જતાં તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કરાયા છે.