ભાવનગર: યોગાસન ટુર્નામેન્ટના અબવ-60માં ભાવનગરના ખેલાડીને ગોલ્ડ મેડલ
ભાવનગર, તા. 12 નવેમ્બર 2019, મંગળવાર
રાજ્યના રમત-ગમત વિભાગના માર્ગદર્શન અનુસાર ભાવનગરના રમત-ગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં આજે મંગળવારે ઓપન એજ, શિક્ષક ગૃપ, અબવ-40, અબવ-60 વગેરે વિભાગમાં ભાવનગર સહિત રાજ્યભરના ખેલાડી ભાઈઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈ શાનદાર દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં અબવ-60માં ભાવનગર સિટીના ખેલાડીએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તા. 12 થી 13 નવેમ્બર દરમિયાન ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગર સહિત રાજ્યભરના ખેલાડી ભાઈઓએ જુદા જુદા વિભાગમાં ભાગ લીધો હતો અને સુંદર યોગાસન કર્યા હતાં. રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધાના ભાઈઓના અબવ-60 વિભાગમાં ભાવનગર સિટીના ભાસ્કરભાઈ રાજ્યગુરૂએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
અબવ-40માં કચ્છ-ભૂજના મહેશકુમાર સોલંકીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ઓપન એજ ગૃપના વ્યકિતગત, આર્ટીસ્ટીક, બેસ્ટ ઓફ ધ બેસ્ટ એમ ત્રણેય વિભાગમાં પાટણના હર્ષ પટેલે સરસ દેખાવ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. રીધમીક વિભાગમાં પાટણના સંજય ઠાકોર જીત મેળવી હતી.
યોગાસન સ્પર્ધામાં શિક્ષક વિભાગમાં જામનગર સિટીના નીરજ પોરેચએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઓપન એજના વ્યકિતગત વિભાગમાં ભાવનગર સિટીના રોહન પરમારે પાંચમો ક્રમ અને રીધમીક વિભાગમાં રાજદીપ જાનીએ ચોથો ક્રમ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં એકથી ત્રણ ક્રમ મેળવનાર ખેલાડીઓને મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આજે બહેનો રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં 120થી વધુ ખેલાડી ભાગ લેશે
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના હોલ ખાતે આવતીકાલે બુધવારે ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની બહેનોની યોગાસન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઓપન એજ, શિક્ષક ગૃપ, અબવ-40, અબવ-60 વગેરે વિભાગમાં ભાવનગર સહિત રાજ્યભરના 120થી વધુ ખેલાડી બહેનો ભાગ લેશે. આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ એડીચોટીનુ જોર લગાવશે તેથી સ્પર્ધા રસાકસી બની રહેશે તેમ જણાય રહ્યુ છે. આ સ્પર્ધામાં કયાં ખેલાડીઓ વિજય મેળવે છે? તે જોવુ જ રહ્યું.