ભાવનગર-બાંદ્રા ટ્રેનમાંથી મહિલાના પર્સમાં રાખેલ રૂા. 4.15 લાખના માલમત્તાની ચોરી

- મહુવાના મહિલા મુંબઈથી ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા અને ગઠીયો કસબ અજમાવી ગયો

- વહેલી સવારે ટ્રેનમાં મહિલા બાથરૂમ જવા માટે ગયા તે વેળાએ પર્સમાં રાખેલ સોનાના દાગીના સાથેનું નાનું પર્સ ચોરી શખ્સ રફુચક્કર બન્યો

ભાવનગર


મહુવાના મહિલા મુંબઈ કામ સબબ જઈ પરત ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં આવી રહ્યા હતા. તે વેળાએ ધોળા જંકશન પછી વહેલી સવારે ટ્રેનના બાથરૂમમાં ગયા હતા. તે વેળાએ સીટ ઉપર રહેલ પર્સમાં સોનાના દાગીના રાખેલ નાના પર્સની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર બન્યો હતો. ઉક્ત બનવાને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. અને રેલ્વે પોલીસ કાફલો દોડી ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવાના આંબાવાડી, કુબેરબાગ વિસ્તારમાં યુનિયન બેંક પાસે રહેતા સાજીદાબેન અલ્લીરજ્જાભાઈ મુખી (ઉ.વ. ૪૮)એ ધોળા રેલ્વે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, ગત તા. ૯.૯ના રોજ તેઓ મુંબઈ કામ સબબ ગયા હતા. જ્યા ચાર દિવસના રોકાણ બાદ ગત તા. ૧૨.૯ના રોજ સાંજના ૭.૩૦ કલાકના બાંદ્રાથી ભાવનગર ટ્રેનના કોચ નંબર એ-૧, સીટ નંબર ૨૦ પર મુસાફરી કરી આવી રહ્યા હતા. તે વેળાએ ગત તા. ૧૩ના રોજ વહેલી સવારના ૬.૪૫ કલાકના અરસા દરમિયાન ટ્રેન ધોળા જં.થી સોનગઢ રેલ્વે સ્ટેશન તરફ ઉપડી તે વેળાએ તેઓ પાસે રહેલ મોટુ પર્સ સીટ નંબર ૧૯ ઉપર મુકી બાથરૂમ કરવા માટે ગયેલ ત્યાથી પરત ફરતા કોઈ અજાણ્યો શખ્સ તેઓના મોટા પર્સમાં રહેલ નાનુ પર્સ હોય જેમાં સોનાના ઘરેણા સોનાની આઠ બંગડી, સોનાની એક વીટી, સોનાની રિયલ ડાયમંડની વીટી, સોનાનો ચેઈન, સોનાનું લોકેટ, સોનાનો અમેરીક ડાયમંડનો સેટ મળી કુલ રૂપિયા ૪.૧૫ લાખના દાગીના સાથેના નાના પર્સની ચોરી કરી નાસી છુટયો હતો.

ઉક્ત ચોરીના બનાવની જાણ થતા બાંદ્રા ટ્રેનના મુસાફરોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતા રેલ્વે પોલીસ દોડી ગઈ હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને ધોળા રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈપીસી. ૩૭૯ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. 

City News

Sports

RECENT NEWS