અમદાવાદથી ભાવનગરના બીલ સાથે ઝડપાયેલ કન્ટેનર કંડલાથી આવ્યું હતું
ભાવનગર, તા. 15 નવેમ્બર 2019, શુક્રવાર
સ્ટેટ GSTના અન્વેષણ વિભાગ તળે મોબાઇલ ચેકીંગ દરમિયાન એક સોલવેન્ટનું ટેન્કર શંકાસ્પદ મળી આવ્યું હતું જેની ઉલટ તપાસમાં અમદાવાદથી ભાવનગરના બદલે આ ટેન્કર કંડલાથી ભરાયું હોવાનું ખુલ્યું હતું તો ટેન્કરના કાગળો ખોટા સાબીત થતા રૂા.૧૬ લાખનો દંડ ફટકારાયો હતો અને હાઇકોર્ટે પણ તેને માન્ય રાખ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સ્ટેટ GST વિભાગ દ્વારા તબકકાવાર મોબાઇલ ચેકીંગ વિવિધ વિસ્તારોમાં હાથ ધરાતું હોય છે અને ઘણીવાર વગર ઇવે બીલ કે ઓનેઓન માલની હેરફેર થતી હોવાનું પણ ઝડપાય છે. આવી જ ઘટનામાં મોબાઇલ સ્ક્વોડ દ્વારા નારી ચોકડી વિસ્તારમાંથી સોલવેન્ટ ભરેલું એક ટેન્કર શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું જેના બીલમાં અમદાવાદથી ભાવનગરની પરમીશન જણાઇ હતી. જ્યારે પેઢીનો નંબર અમદાવાદથી મેળવ્યો હતો.
જો કે, નિરવ ભટ્ટ કે જે પેઢીના કર્તા છે તેઓની સઘન પુછપરછ દરમિયાન આ સોલવેન્ટ અમદાવાદથી નહીં પરંતુ કંડલાથી ભરાયું હોવાનું જણાયું હતું અને તેનું સ્ટેટમેન્ટ પણ લેવાયું હતું. જ્યારે ટેન્કર છોડાવવા હાઇકોર્ટના દ્વાર ખખડાવતા તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા પણ અધિકારીના નિર્ણયની તરફેણ કરી હતી અને રૂા.૧૬ લાખના દંડને યોગ્ય બતાવ્યો હતો. ખોટા ડોક્યુમેન્ટ્સ બદલ થયેલ આ દંડની રકમ વસુલવા હાલ ગતિવિધિ હાથ ધરાય છે. આમ અધિકારીઓને પોતાના કાર્યક્ષેત્રમાં સ્થાનિક કક્ષાએ તેમજ હાઇકોર્ટ કક્ષાએ પણ સફળતા મળી છે અને એરસન્સ એન્ટરપ્રાઇઝની આ કંપની સામે તપાસનો દોર શરૂ થયો છે.
બાયો ડિઝલના સોલ વેન્ટનું મિશ્રણ થતું હોવાની રાવ
સામાન્ય રીતે બાયો ડિઝલના નામ હોય અને મુળભુત સોલવેન્ટ હોવાના પણ અનેક દાખલાઓ મોજુદ છે ત્યારે આવા ટેન્કરોની હેરપેર સામે પણ અનેક પ્રશ્નો ઉઠયા છે. તો એક તબક્કે આ બાયો ડિઝલ પુરવઠા વિભાગમાં આવે છે કે કેમ તેવા પણ પ્રશ્ન ઉઠયા છે. આમ વધુ રળવાની લ્હાયમાં બાયો ડિઝલના નામે સોલવેન્ટનો કારોબાર ધમધમતો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.