સૌરાષ્ટ્રમા મેળાઓ તો ભૂલી જાઓ, ફરવાના સ્થળો'ય બંધ
- રાજકોટમાં પણ સાતમ-આઠમમાં ડેમસાઈટ, ઝૂ-પાર્ક બંધ રહેશે
- રજા રહેશે પણ રજા દર વર્ષની જેમ 'ભોગવી' નહીં શકાય
રાજકોટ, તા. 24 જુલાઈ, 2020, શુક્રવાર
સૌરાષ્ટ્રમાં જૂન સુધી એકંદરે કાબુમાં રહેલ કોરોના મહામારી જૂલાઈમાં દિવસો વિતતા જાય છે તેમ સતત ટોચ પર જાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં દેશભરમાં ફેલાયેલા લોકોમાં માનીતા અને જાણીતા રાજકોટ સહિત ૧૦૦થી વધુ લોકમેળાઓ તો બંધ રહેશે ઉપરાંત જ્યાં સાતમ આઠમમાં ભીડ ઉમટતી હોય છે તે હરવા ફરવાના સ્થળો બંધ રાખવા પણ સ્થાનિક સત્તાધીશોએ જાહેરનામા જારી કર્યા છે. આમ, લોકોએ આ વખતે મેળો અને તહેવારો હરી ફરીને નહીં, સગાસંબંધીઓ-મિત્રો સાથે પણ નહીં પણ ઘરમાં જ ઉજવવો પડશે.
રાજકોટમાં મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે આજે જણાવ્યું કે આજી ડેમ અને ન્યારી ડેમ સાઈટ પર લોકો હરવા ફરવા આવે તે માટે અનેકવિધ કામો થયા છે પરંતુ, કોરોના મહામારીનું સંક્રમણને રોકવા હાલ આ બન્ને સાઈટ લોકોના પ્રવેશ માટે બંધ કરાઈ છે અને તે આગામી દિવસોમાં પણ બંધ જ રહેશે. ઉપરાંત પ્રદ્યુમ્નપાર્ક ઝૂ કે જ્યાં સાતમ-આઠમ-નોમના ત્રણ દિવસમાં જ ૨૦થી ૨૫ હજાર લોકો ઉમટતા રહ્યા છે તે પણ સંપૂર્ણપણે બંધ રહેશે.
પોરબંદર, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તેમજ ઓસમ ડુંગર જેવા સ્થળોએ પણ સ્થાનિક પ્રશાસને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. વર્તમાન સમયમાં તે જરૃરી એટલા માટે છે કે હરવા ફરવાના સ્થળોએ ખાસ કરીને સાતમ આઠમની રજાઓમાં ભારે ગીચ ભીડ દર વર્ષે જમા થતી હોય છે અને આ વર્ષે આવી ભીડ એ કોરોના કેસોનો વિસ્ફોટ માટે આમંત્રણ આપવા સમાન છે.
સાતમ આઠમમાં સ્વૈચ્છિક અને જાહેર રજાઓ તથા રવિવાર-શનિવારની રજાઓ સાથે ૮ દિવસની રજા આવતી હોય છે. સરકારી કચેરીઓ ઉપરાંત માર્કેટ યાર્ડ પણ આશરે આઠ દિવસ બંધ રહેનાર છે તો દુકાનો અને કારખાનાઓમાં પણ પાંચ-દસ દિવસ સ્વૈચ્છિક રજાનો માહૌલ દર વર્ષે રહેતો હોય છે. આ વખતે આ રજાઓ તો પડશે પરંતુ, રજા દર વર્ષની જેમ હરી ફરી, મોજ મજા કરીને ભોગવી શકાશે નહીં. જો કે લોકો પરિવારજનો સાથે આનંદથી આ રજાના સમયને વતાવી શકશે અને ઘરે રહીને ભક્તિ-પૂજા પણ કરી શકશે.