ભાવનગર: નો પાર્કિંગના જાહેરનામાના પગલે વેપારીઓમાં ઉગ્ર રોષ
ભાવનગર, તા. 16 ઓક્ટોબર 2019, બુધવાર
તાજેતરમાં નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે જેમાં હલુરીયા ચોકથી રૂપમ ચોકથી એમ.જી. રોડ, ખારગેટ, ઉંડી વખાર તથા રૂપમ ચોકથી મોતીબાગ ચોક સુધીના વિસ્તારને સંદર્ભમાં દર્શાવેલ જાહેરનામા અન્વયે નો પાર્કિંગ ઝોન જાહેર કરાવામાં આવેલ છે જેનો વેપારી દ્વારા વિરોધ કરાયો છે ત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બરે પણ આ જાહેરનામુ રદ્દ કરવા માગણી કરી છે.
હલુરીયા ચોકથી રૂપમ સુધીના વિસ્તારમાં કોર્ટ, પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર વગેરે આવેલ છે. કોર્ટના કારણે પોલીસ ડીપાર્ટમેન્ટ, વકીલો, અરજદારોની મોટી સંખ્યામાં અવર જવર રહે છે. આ ઉપરાંત જાહેરનામામાં દર્શાવેલ અન્ય વિસ્તારો પણ કોમર્શીયલ વિસ્તાર હોઇ વેપારીઓને પોતાના વાહનો પોતાના ધંધાના સ્થળે પાર્ક કરવાના હોય છે કારણ કે તેઓને બેંકીંગ કે અન્ય સરકારી કામકાજ માટે દિવસમાં બે-ત્રણ વાર જવાનું થતું હોય છે તેથી તેમને મલ્ટીલેવલ પાર્કિંગમાં કે અન્યત્ર વાહનો મુકવા જવાનું બીલકુલ અનુકૂળ પડે તેમ નથી.
આ જાહેરનામુ પ્રસિદ્ધ કરતા પહેલા લોકોની અને ખાસ કરીને વેપારીઓની મુશ્કેલીઓને અને વાસ્તવિક્તાઓને ધ્યાને લેવી જોઇતી હતી. આ ઉપરાંત દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં હોઇ આ જાહેરનામાના કારણે લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડશે. આ જાહેરનામાના કારણે વેપારીઓમાં ખુબ જ રોષની લાગણી છે તેથી આ બાબતમાં હકારાત્મક વલણ દાખવી લોકસુખાકારી માટે આ જાહેરનામુ સત્વરે રદ્દ કરવું જોઇએ તેવી માગણી કરી છે. ચોક્કસ રીતે શાક માર્કેટ અથવા પાર્કિંગ પોઇન્ટની આજુબાજુના વિસ્તારમાં જાહેરનામુ લાગુ કરવું જોઇએ નહીં કે છેક હલુરીયા કે ખારગેટ સુધી તેવી વેપારીઓમાં પણ કચવાટ જોવા મળે છે.