ભાવનગરમાં પ્રથમ દિવસે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન 33 હેલ્મેટ કેસ નોંધાયા
ભાવનગર, તા. 01 નવેમ્બર 2019, શુક્રવાર
દિવાળીના તહેવારો બાદ આજથી ટ્રાફિક નિયમોના દંડની નવી જોગવાઇ અનુસાર અમલવારી શરૂ કરાતા પ્રથમ દિવસે ભાવનગર ટ્રાફિક પોલીસે શહેર-જિલ્લામાં ડ્રાઇવ દરમિયાન 33 હેલ્મેટ કેસ દાખલ કરી 96 વાહન ચાલકોને મેમા આપી રૂા. 44,200 સ્થળ દંડની વસુલાત કરી હતી.
ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમનના દંડની જોગવાઇમાં સુધારા વધારા સાથે અમલમાં મુકેલ નિયમોને દિવાળીના તહેવારો પર મુલત્વી રાખ્યા બાદ આજે તા. 01-11થી દંડની જોગવાઇના સુધારા વધારા સાથેના નિયમની અમલવારી સમગ્ર રાજ્યમાં શરૂ કરી હતી જેને લઇ ભાવનગર ટ્રાફિક પોલીસે નવા નિયમ અનુસાર હેલ્મેટ અને પીયુસીની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ દિવસે ભાવનગર શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ દરમિયાન વિના હેલ્મેટે 33 વાહન ચાલકો ઝપટે ચડી આવતા તેઓ સાથે દંડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે નંબર પ્લેટ, પીયુસી, સિટ બેલ્ટ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી 96 ચાલકોને મેમા આપી રૂા. 44,200 સ્થળ દંડની વસુલાત કરી હોવાનું ટ્રાફિક કચેરીએથી જાણવા મળ્યું છે.