Get The App

ભાવનગરમાં હીરા કારખાનાનું વેકેશન લાંબું ચાલ્યું: 99% કારખાનાઓ બંધ

Updated: Nov 14th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં હીરા કારખાનાનું વેકેશન લાંબું ચાલ્યું: 99% કારખાનાઓ બંધ 1 - image
ભાવનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર

ભાવનગરમાં હીરાના કારખાનાઓમાં પડેલું વેકેશન આ વર્ષે ઘણું લંબાયું છે. સામાન્ય રીતે અગિયારસ (તુલસી વિવાહ)થી ધમધમતા થતાં હીરાના કારખાના-ઓફિસોમાં આ વર્ષે માત્ર અગિયારસના મુહૂર્ત જ થયા છે. જેના કારણે નાના કારખાના-ઘંટી ચલાવતા લોકોને બાદ કરતા 99% હીરાના કારખાના હજુ પણ બંધ પડયા છે. ઓણ સાલ વેકેશન લાંબું ખેંચાતા રત્નકલાકારોની આર્થિક ભીંસ વધી છે. કેટલાક પરિવારોને તો ઘર ચલાવવા ઉછી-પાછીના લેવા પડે તેવી મજબૂરી ઉભી થઈ છે.

એક સમયે હીરા ઉદ્યોગમાં ભાવનગર જિલ્લાની ચમક દેશ-વિદેશમાં હતી. પરંતુ મંદીની માર અને મોટાભાગના હીરા ઉદ્યોગકારોનું સુરત તરફ સ્થળાંતરને કારણે જિલ્લાની આર્થિક કરોડરજ્જુમાં મહત્ત્વનો ભાગ ભજવતા હીરા ઉદ્યોગની ચમકને છેલ્લા કેટલાક વર્ષોથી ઝાંખપ લાગી ગઈ છે.

મંદીનું મોજું એટલું ફરી વળ્યું છે કે, દિવાળીને બે સપ્તાહથી વધુ સમય થયો હોવા છતાં ભાવનગરમાં ઘોઘાજકાતનાકા, રામમંત્ર મંદિર, સરદારનગર, મોખડાજી સર્કલ, કુમુદવાડી, વિઠ્ઠલવાડી, બોરતળાવ સહિતના વિસ્તારોમાં આવેલા 99% હીરાના કારખાના હજુ બંધ પડયા છે. જે શરૂ છે તેમાં એકલ-દોકલ મોટા અને મોટાભાગના નાના કારખાનાનો જ સમાવેશ છે.

આવી જ હાલત હીરા ઓફિસોની પણ છે. નિર્મળનગરમાં દિવાળી બાદ 10% જેટલી ઓફિસો માંડ શરૂ થઈ છે. હીરાના કારખાનેદારો અને કારીગરોએ અગિયારસમાં નવા વર્ષના કામનું મુહૂર્ત તો કર્યું હતું. પરંતુ મંદીને કારણે કારખાના શરૂ થઈ શક્યા ન હતા. હવે આવતા સપ્તાહથી કારખાના ફરી ધમધમતા થશે હીરા ઉદ્યોગની ચમક પાછી ફરશે તેવી રત્નકલાકારોએ આશા વ્યક્ત કરી છે. દર વર્ષ કરતા આ વર્ષે દિવાળી વેકેશન લાંબું ચાલ્યું હોવાથી રત્નકલાકારોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે.
Tags :