ઢસા નજીક ટ્રક પાછળ બોલેરા ઘુસી જતા ધોળાના યુવાનનું મોત
- યુવાન બાબરા બકાલુ લેવા જઇ રહ્યો હતો
- લંગાળાના બોલેરો પીકઅપના ચાલકને ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડાયો
ભાવનગર, 25 નવેમ્બર 2019 સોમવાર
બોટાદ જિલ્લાના ઢસા નજીક આજે વહેલી સવારના અરસા દરમિયાન ટ્રકના પાછળના ભાગે બોલેરો પીકઅપ અથડાતા ધોળાથી બાબરા બકાલુ લેવા જઇ રહેલ યુવાનનું કરૂણ મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે લંગાળાના બોલેરો ચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતા નરેશભાઇ ગગજીભાઇ મકવાણાએ ઢસા પોલીસ મથકમાં હિતેશ ઉર્ફે હિતુ ડાયાભાઇ ડાંગર (રે.લંગાળા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના ભાઇ હરેશભાઇ ગગજીભાઇ (ઉ.વ.૩૨) ગત રાત્રિના ૧૨ કલાકના અરસા દરમિયાન હિતેશ ડાંગરની બોલેરો પીકઅપ નં.જીજે-૦૫-ડી.વી-૧૮૩૫માં બાબરા બકાલુ લેવા માટે જઇ રહ્યા હતા તે વેળાએ સવારના ૬ કલાકના અરસા પૂર્વે ઢસા નજીક આવેલ પમ્પ સામેના ભાગે બોલેરોના ઉક્ત ચાલકે પોતાની બોલેરો પુરઝડપે ચલાવી આગળ જતા ટ્રક નં.જીજે-૬-એક્સ.એક્સ-૬૩૧૮ની પાછળના ભાગે બોલેરોનો અકસ્માત સર્જતા તેના ભાઇને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.