app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

જિલ્લામાં યમરાજાના ડેરાતંબુ, 6 ના મોત

Updated: Sep 9th, 2023


- સાતમ-આઠમના પર્વે રાજમાર્ગો પર કાળચક્ર ફરી વળ્યું

- અલંગ યાર્ડ, મણાર, પાણવી અને વરતેજ જીઆઈડીસી, કુંઢેલી અને ગુંદી ગામ પાસે અકસ્માતની જુદી-જુદી 6 ઘટના, 3 ને ઈજા

ભાવનગર : ભાવનગર જિલ્લાના રાજમાર્ગો પર સાતમ-આઠમના પવિત્ર તહેવારો દરમિયાન યમરાજાએ ડેરાતંબુ તાણ્યા હોય તેમ અકસ્માતની સર્જાયેલી જુદી-જુદી ચાર ઘટનામાં બે પરપ્રાંતિય સહિત પાંચ યુવાન અને એક મહિલાના અકાળે મોત થયા હતા. કાળચક્ર ફરી વળતા મૃતકોના પરિવારજનો, સગા-સબંધીઓમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. પાણવી અને ગુંદી નજીક સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી.

પ્રથમ ઘટના અંગે મળતી વિગત અનુસાર તળાજાના પાણિયાળી ગામે રહેતા ભુપતભાઈ હરજીભાઈ ડાભી (ઉ.વ.૫૩) ગત તા.૬-૯ના રોજ બપોરના સમયે બાઈક નં.જીજે.૦૪.ડીએમ.૪૯૫૩ લઈ સોસિયા યાર્ડ, પ્લોટ નં.૮૮ સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક પરપ્રાંતિય મજૂરે લિફ્ટ માંગતા તેને બેસાડી અલંગ તરફ આવી રહ્યા હતા. ત્યારે અલંગ પ્લોટ નં.૩ની સામે રોડ પર અચાનક કૂતરું આડું આવતા પરપ્રાંતિય યુવાન બાઈક પરથી નીચે બેસી જતાં પાછળથી આવી રહેલ ટ્રેક નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૫૧૩૩ના ચાલકે મજૂરના પોંચાના અને માથાના ભાગે વ્હીલ ફેરવી દેતા તેને ગંભીર ઈજા સારવાર માટે પ્રથમ ભાવનગર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા મૃત્યુ થયું હતું. બનાવ અંગે ભુપતભાઈ ડાભીએ અકસ્માત સર્જી નાસી છુટેલા શખ્સ સામે અલંગ મરિન ગુનો નોંધાવ્યો હતો.

બીજી ઘટનાની મળતી માહિતી અનુસાર તળાજાના પીપરલા ગામે રહેતા ગોપાલભાઈ ડાયાભાઈ સોલંકી (ઉ.વ.૨૧)ના મોટાબાપુના દિકરા સંજયભાઈ ગત તા.૬-૯ના રોજ બપોરના સમયે અલંગથી ભારાપરા ગામે તેમના ઘરે આવી રહ્યા હતા. ત્યારે અલંગ-સથરા રોડ, શ્રીરામ ગેસ પ્લાન્ટ પાસે પહોંચતા બાઈક નં.જીજે.૦૪.બીસી.૭૮૩૭ના ચાલકે સંજયભાઈના બાઈક સાથે અકસ્માત સર્જતા તેઓને ગંભીર થવાથી મૃત્યુ થયું હતું. બનાવ અંગે ગોપાલભાઈ સોલંકીએ બાઈકના ચાલક સામે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્રીજા બનાવની મળતી વિગત અનુસાર વલ્લભીપુર તાલુકાના નવાગામ (ગા) ખાતે રહેતા રમેશભાઈ મુળજીભાઈ પટેલિયા (ઉ.વ.૪૨)નો ભત્રીજો વિપુલભાઈ અને તેનો મિત્ર મનીષભાઈ હિંમતભાઈ પટેલિયા ગત તા.૬-૯ના રોજ વિપુલભાઈના બનેવી વિજયભાઈની બાઈક નં.જીજે.૦૫.કેએ.૮૬૪૦ લઈ  સાળંગપુર દર્શન કરવા જતા હતા. ત્યારે કેરિયા ઢાળથી પાણવી વચ્ચે હાઈવે પર એક ફોરવ્હીલ નં.જીજે.૧૩.એડબ્લ્યુ.૪૮૧૦ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા વિપુલભાઈને સાથળના ભાગેથી હાડકું બહાર આવીજતા તેમજ માથામાં ગંભીર ઈજા થતાં મોત થયું હતું. જ્યારે તેમના મિત્ર મનિષભાઈને પણ નાનથી-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી નાસી છુટેલા કારના ચાલક સામે મૃતકના કાકા રમેશભાઈ પટેલિયાએ વલ્લભીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચોથા બનાવમાં શહેરના ચિત્રા વર્કશોપની સામે, ભાવના સોસાયટી, પ્લોટ નં.૧૭૧૭માં ભાડેથી રહેતા રાજુભાઈ ઉર્ફે રાજીવ ગીરીજાપ્રસાદ પાંડે (ઉ.વ.૩૮, રહે, મુળ પ્રતાપપુર, તા.બીરશીંગપુર, ધારકુંડી, જિ.શતના, રાજ્ય મધ્યપ્રદેશ)ના મજૂર સરજુબૈગા અશોકબૈગા (ઉ.વ.૨૫, રહે, ગિજરી ગામ, તા.જિ.ઉમરિયા, મધ્યપ્રદેશ, હાલ ચિત્રા) ગઈકાલે રાત્રિના સમયે મધુસિલિકા કંપનીમાં આવેલ કોલ ક્રશર વિભાગમાં કોન્ટ્રાક્ટ પર મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે ટ્રક નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૨૩૪૧નો ચાલક અજીતસિંહ સાવજુભા સરવૈયા નામના શખ્સે પોતાનો ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી કોલસો ખાલી કરવા માટે રેપ પર ટ્રકને ફૂલ સ્પીડે રિવર્સમાં ચડાવવા જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને રેપ પાસ કામ કરી રહેલ પરપ્રાંતિય યુવાન સરજુબૈગા અશોકબૈગાને અડફેટે ચડાવી ટ્રકના ટાયર તેના માથા પર ચડાવી દેતા ઘટના સ્થળે જ મજૂરનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે રાજુભાઈ ઉર્ફે રાજીવ પાંડેએ ટ્રકનો ચાલક અજીતસિંહ સરવૈયા નામના શખ્સ સામે વરતેજ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

પાંચમી ઘટનામાં ભાવનગર શહેરના કાળિયાબીડ, પટેલ પાર્ક-૨, શેરી નં.૪, પ્લોટ નં.સી-૩૫૩૪માં રહેતા મનોજભાઈ ડોડિયા અને તેમનો પરિવાર આજે સવારના સમયે બલેનો કાર તેમજ બાઈકમાં કોળિયાક ખાતે વિધિ કરવા ગયા હતા. બાદમાં સાંજના સમયે મનોજભાઈ બાઈકમાં તેમના પત્નીને સાથે ભાવનગર આવી રહ્યા હતા. ત્યારે કોળિયાક-ભાવનગર રોડ, ઘોળીવાડ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવી રહેલ સ્વિફ્ટ કાર નં.જીજે.૦૪.બીઈ.૩૧૪૫ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા દંપતીને ઈજા પહોંચાડી હતી. જેમાં વીણાબેન મનોજભાઈ ડોડિયા (ઉ.વ.૫૧)ને ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર ધાર્મિકભાઈ મનોજભાઈ ડોડિયા (ઉ.વ.૨૯)એ કારના ચાલક સામે ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતની છઠ્ઠી ઘટનામાં તળાજા તાલુકાના ઠળિયા ગામે રહેતા અનિલભાઈ હિંમતભાઈ પરમાર (ઉ.વ.૨૭)ના નાનાભાઈ રાજુભાઈ તેના બે મિત્રો મગનભાઈ અને ફારૂકભાઈ સાથે ગત તા.૪-૯ના રોજ ત્રણ સવારી બાઈકમાં ઠળિયાથી તળાજા ખાતે કોઈ કામ સબબ જઈ રહ્યા હતા. ત્યારે કુંઢેલી નજીક સુંદરવન ગૌશાળા પાસે પહોંચતા બાઈક નં.જીજે.૦૪.સીજી.૧૩૪૦ના ચાલકે બાઈક સાથે જોરદાર અકસ્માત સર્જતા ત્રણેય યુવાનને ઈજા થઈ હતી. જેઓને સારવાર અર્થે તળાજા બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવતા રાજુભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ અનિલભાઈ પરમારે અકસ્માત સર્જી નાસી છુટેલા બાઈકના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Gujarat