ઝાંઝરડામાં એસીડ પી લેતા વૃદ્ધનું મોત
જૂનાગઢમાં ઈલે.મોટર ચાલુ કરવા જતા વીજ કરંટથી તરૂણનું મોત નીપજ્યું હતું. ગોલાઘરમાં પગથિયાં પરથી પટકાતાં પ્રૌઢનું મોત થયું હતું. જ્યારે ઝાંઝરડામાં ભૂલથી એસીડ પી લેતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
જૂનાગઢના નંદનવન રોડ વિસ્તારમાં રહેતો એજાજ મજીદભાઈ સોઢા (ઉ.વ.૧૫) નામનો તરૂણ પાણીની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને શોક લાગતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જૂનાગઢ તાલુકાના ગોલાધરમાં રહેતા કાળુભાઈ ચનાભાઈ મકવાણા (ઉ.વ.૫૫) પોતાના ઘરે સીડી પરથી ઉતરી રહ્યા હતા ત્યારે પગથિયા પરથી પડી જતાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓનું મોત થયું હતું.
જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામમાં રહેતા વિજયાબેન આંબાભાઈ કોટડીયા (ઉ.વ.૮૫) નામના વૃદ્ધાએ ગત તા.૧૫ના ભૂલથી એસીડ પી લેતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મોત થયું હતું.


