કોવિડ-૧૯ના કેસ ઘટાડો : 315 પોઝિટિવ સામે 491 દર્દી નેગેટીવ

- શહેરમાં 293, જિલ્લામાં કોરોનાના નવા 22 દર્દી નોંધાયા
- શિક્ષક-વિદ્યાર્થીઓ, બેન્ક, આઈટીઆઈમાં અભ્યાસ કરતો યુવાન, સબ રજિસ્ટ્રાર ઓફિસ, પોસ્ટ ઓફિસ, એડવોકેટ કોરોનાથી સંક્રમિત
ભાવનગર શહેરમાં આજે કોરોનાના નવા ૨૯૩ કેસ નોંધાયા હતા. જેમાં ચિત્રા ગુરૂકુળનો ૧૨ વર્ષીય વિદ્યાર્થી, યશ બેન્ક-વાઘાવાડીના કર્મચારી, વિદ્યાવિહાર સ્કૂલનો ૧૪ વર્ષીય વિદ્યાર્થી, સિહોરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૩૨ વર્ષીય કર્મચારી, ક્રાઈસ્ટ સ્કૂલ-ચિત્રા અને સિલ્વર બેલ્સના મહિલા શિક્ષિકા, પીજીવીસીએલના મહિલા કર્મચારી, સરદાર પટેલ અને સર પી.પી. સાયન્સ કોલેજની વિદ્યાર્થિની, સિહોર બે.એ. કોલેજનો વિદ્યાર્થી, એલઆઈસીના ૫૭ વર્ષીય કર્મચારી, ક્રાઈસ્ટ સ્કૂલના ૨૪ વર્ષીય શિક્ષિકા, એક્સેસ બેન્ક-વાઘાવાડીના એકાઉન્ટન્ટ, સરદાર પટેલ કોલેજની વિદ્યાર્થિની, આઈટીઆઈના એસઆઈમાં અભ્યાસ કરતો ૨૧ વર્ષીય યુવાન, સ્વામિનારાયણ ગુરૂકુળ-ચિત્રા જીઆઈડીસીના મહિલા પ્યુન, મારૂતિ સ્કૂલની વિદ્યાર્થિની, સબ રજિસ્ટ્રાર ઓફિસ-મોતીબાગ ટાઉન હોલના પ્યુન, ચિત્રા પોસ્ટ ઓફિસના ૪૭ વર્ષીય મહિલા ક્લાર્ક, ઈનારકો-ઘોઘાસર્કલના ૫૧ વર્ષીય સુપરવાઈઝર, સ્પેરો લિ.-આરટીઓના મહિલા એન્જીનિયર અને હાઈકોર્ટના એડવોકેટનો સમાવેશ થાય છે. શહેરમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ૨૯૩ પોઝિટિવ કેસની સામે ૩૯૦ દર્દી સ્વસ્થ થયા હતા.
જિલ્લામાં ૬ મહિલા અને ૧૬ પુરૂષ મળી કોરોનાના નવા ૨૨ કેસ નોંધાયા છે. તેની સામે ૧૦૧ દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે છેલ્લા એકાદ સપ્તાહ જેટલા સમયથી કોરોનાની સારવાર લઈ રહેલા મહુવા તાલુકાના ભાદ્રોડ ગામના ૩૨ વર્ષીય યુવાનનું આજે મૃત્યુ થયું હતું. યુવાનને ક્રોનિક આલ્કોહોલિક ડિસીઝ (લીવર ડિસીઝ)ની બીમારી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં શહેર-જિલ્લામાં મળી આજે કોરોનાના કુલ ૩૧૫ કેસ નોંધાયા હતા. આજે કોરોનાની સ્પીડ ઘટતા પોઝિટિવ કેસની સામે સ્વસ્થ થનારા દર્દીની સંખ્યા ૪૯૧ રહી હતી.
શહેર-જિલ્લામાં 3052 એક્ટીવ કેસ
ભાવનગર શહેર-જિલ્લામાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. જેના કારણે આજે મંગળવારની સ્થિતિએ કુલ ૩૦૫૨ એક્ટીવ કેસ છે. જેમાં શહેરમાં ૨૮૦૬ અને જિલ્લામાં ૨૪૬ દર્દી સારવાર હેઠળ છે. જિલ્લામાં ૨૩૫ લોકો હોમ આઈસોલેશનથી અને ૧૧ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. શહેરમાં ૪૭૭૯ લોકો હોમ કોરોન્ટાઈનમાં છે તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
શહેરમાં 25 દિવસમાં 5136 કેસ
ભાવનગર શહેરમાં કોરોનાની મહામારી રોકેટની ગતિએ ફેલાઈ છે. ૧લી જાન્યુઆરીથી ૨૫મી જાન્યુઆરીના ૨૫ દિવસમાં ૫૧૩૬ કેસ નોંધાઈ ચુક્યા છે. ૨૫ દિવસમાં કોરોનાથી ૦૮ દર્દીએ જીવ ગુમાવી દીધો છે. ત્રીજી લહેરમાં શિક્ષકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓ વધુ સંક્રમિત થયા છે. જો કે, બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેર ઓછી ઘાતકી પુરવાર થઈ છે.
દૈનિક 231 વ્યક્તિ કોરોના સંક્રમિત
ભાવનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. પાછલા ૨૫ દિવસમાં ૫૭૮૯ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. જેમાં જિલ્લાના ૬૫૩ અને શહેરના ૫૧૩૬ કેસનો સમાવેશ થાય છે. દૈનિક કેસની સરેરાશ પર નજર કરીએ તો દરરોજ ૨૩૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આજે કેસની સંખ્યા ઘટી છે. જો કે, કોરોના પોઝિટિવનો આંકડો હજુ પણ ઉંચો છે. જેથી લોકોએ જાગૃતિ દાખવવી જરૂરી છે.

