વિકાસનાં કામોને કોરોનાનું ગ્રહણ, ૧૭ કરોડ કોરોના પાછળ વપરાશે
- ધારાસભ્યો અને સાંસદો આ વર્ષે કોઈ કામો સૂચવી નહી શકે
- રાજકોટ જિ. આયોજન કચેરીમાં આ વર્ષે સામાન્ય પ્રજાની સુવિધા વધારવા માટે નવી કોઈ દરખાસ્ત નહી આવે
રાજકોટ, તા. 23 જુલાઈ, 2020, ગુરૂવાર
સરકારી કચેરીઓમાં કોરોના સિવાયની તમામ કામગીરી હાલ ઠપ થઈને પડી છે. ધારાસભ્યો અને સાંસદોની વિકાસનાં કામોની વર્ષ ર૦ર૦- ર૧ ની આશરે રૂ. ૧૭ કરોડનાં ગ્રાન્ટની રકમ આ વર્ષે વિકાસનાં કામોને બદલે કોરનાની સારવાર માટે ખર્ચાશે મતલબ કે આ વર્ષે કોઈ વિકાસનાં કામો પણ ધારાસભ્યો કે સાંસદોને સુચવવાનાં નહી રહે. ગ્રાન્ટની રકમ સીધી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોનાની સારવારનાં હેડ હેઠળ વાપરવામાં આવશે.
દર વર્ષે વિકાસ કામો માટે ધારાસભ્યોને રૂ. દોઢ કરોડ અને સાંસદને રૂ. પ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે. બસ સ્ટેન્ડ, રસ્તા - પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ માટે આ ગ્રાન્ટમાંથી કામો સૂચવવામાં આવતા હોય છે. ધારાસભ્યો અને સાંસદો આ ગ્રાન્ટની રકમમાંથી પોતાના મતવિસ્તારોમાં કામો થકી ંપોતાના સંપર્કોને જાળવતા હોય છે. લોકઉપયોગી કાર્યો માટે આ ગ્રાન્ટનો મહતમ ઉપયોગ થયો હોય છે પણ આ વર્ષે આ કાર્યને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. આ વર્ષે ધારાસભ્યો અને સાંસદોએ પોતાની ગ્રાન્ટ કોરોનાની સારવારમાં આપવાનું નકકી કર્યુ હોવાથી અન્ય કોઈ કામો સૂચવી પણ નહી શકે.
રાજકોટ શહેર અને જિલ્લામાં મળીને આઠ ધારાસભ્યોની ગ્રાન્ટનો હિસાબ કરવામાં આવે તો રૂ. ૧ર કરોડ થાય અને સાંસદનાં રૂ. પ કરોડ મળીને રૂ. ૧૭ કરોડ થાય છે. પોરબંદર જિલ્લાનાં સાંસદનાં કાર્યક્ષેત્રમાં પણ રાજકોટ જિલ્લાનાં પાંચ તાલુકાનાં ગામો આવે છે. જિલ્લા આયોજન કચેરીમાં નાણાંકિય વર્ષ પુરૂ થયા બાદ નવા વિકાસ કામોની દરખાસ્તો માટે ધમધમાટ જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે આ કચેરીમાં પણ ભારણ ઘટી ગયુ છે.