રાજકોટ સિવિલ સર્જનને કોરોના! શહેરમાં વધુ 38 કેસ, 2ના મૃત્યુ
- મહાનગરમાં મહામારીને મળ્યું મોકળું મેદાન
- કૂલ અંદાજે 30થી વધુના મોત, મનપા છૂપાવે છે કૂલ આંકડા
ઉંચા ભાવ સાથે ખાનગીમાં વધુ 118 સહિત 33 બેડની સુવિધા
રાજકોટ, તા. 18 જુલાઈ, 2020, શનિવાર
મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં મહામારીને હવે મોકળુ મેદાન મળી ગયું છે અને કેસો રોકેટ ઝડપે વધી્રહ્યા છે. આજે કોરોનાના દર્દીઓની જ્યાં ચાર માસથી સારવાર થતી રહી છે તે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ આજે પોઝીટીવ આવતા ચકચાર જાગી છે. આ સાથે રાજકોટમાં આજે એક જ દિવસમાં ૩૬ નવા કેસો નોંધાયા છે અને કૂલ કેસની સંખ્યા ૫૭૫ ઊપર પહોંચી ગઈ છે. આજે શહેરમાં વધુ પાંચ દર્દીઓના મોત નીપજ્યા છે જેમાં રાજકોટ શહેરના બે દર્દી હોવાનું જાહેર કરાયું છે.
સિવિલ સર્જન એ કોરોનાની સારવાર માટે મહત્વની ભૂમિકા હોય છે અને તેઓ હોદ્દાની રૂએ અનેક આરોગ્ય કર્મચારીઓથી માંડીને આરોગ્ય સચિવ-કમિશનર વગેરેને મળ્યા હોય છે. કોવિડ હોસ્પિટલ નક્કી કરવા વિઝીટ કરતા હોય છે ,જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અનેક અધિકારીઓ સાથે સંપર્કમાં હોય છે. મહત્તમ તકેદારી લેવાતી હોય છે ત્યારે તેમને ચેપ કઈ રીતે લાગ્યો તે ખુદ તેઓ પણ જાણી શક્યા નથી.
શહેરમાં આજે જયતાભાઈ દેવદાનભાઈ હુબલ (ઉ.૭૨ રહે.ભક્તિનગર સર્કલ) અને ચંદ્રકાન્તભાઈ લક્ષ્મીદાસ વોરા (ઉ.૬૮ રહે.જીવરાજપાર્ક, આર્યલેન્ડ ફ્લેટ)ના મૃત્યુ નીપજ્યા છે. કૂલ મૃત્યુઆંક ૩૦થી વધુનો અંદાજ છે, મનપા કૂલ આંક જાહેર કરતી નથી.પર્ણકુટીર સોસાયટી, જાનકી પાર્ક વોકહાર્ટ હોસ્પિ.સામે કાલાવડ રોડ, અમીનમાર્ગ પર ડ્રીમહીલ એપાર્ટ., પંચવટી પાછળ અમૃતપાર્ક, ગંજીવાડા-૧૩, ગુલાબનગર-૩ રૈયારોડ, હાથીખાના મેઈનરોડ, રવિપાર્ક-૬, રૈયારોડ પર રાવલનગર-૨, લક્ષ્મીનગર-૩, પ્રદ્યુમ્નનગર પો.સ્ટેશન પાછળ અરાતી એપાર્ટમેન્ટ , અંબિકા ટાઉનશીપ સેવન હીલ્સ, વારીયા પ્રજાપતિ છાત્રાલય મવડી પ્લોટ, પુજારા પ્લોટમાં અંજલી એપાર્ટ., ન્યુ રાજદીપ સોસાયટી-૨, જંક્શન પ્લોટમાં મોરબી હાઉસ, રૈયારોડ પર છોટુનગર-૬, ધ્રોલ હાઉસ, મોચીબજાર, મવડી બાયપાસ પર રાણીપાર્ક, રૂદ્રપ્રયાગ એપાર્ટમેન્ટ, કોઠારીયા તિરુપતિ-૨, આર.કે.નગર મેઈનરોડ, ગાંધીનગર-૫, ઘનશ્યામનગર, હસનવાડી-૨, રોહીદાસપરા મોરબી રોડ, મધુવન, ગોકુલધામ, ગ્રીનલેન્ડ ચોક પાસે હરસિધ્ધિ સોસાયટી, મનહરપ્લોટ-૧૩, ઓમપાર્ક-૨, લક્ષ્મીવાડી ૧૬-૭ ખુણો, મવડી ૮૦ રોડ પર ખોડલચોક, બ્રહ્મસમાજ પાસે શિવપરા-૯, યુનિ.રોડ પર પંચાયત ચોક, નાનામવા રોડ પર ન્યુ ગાંધી સોસાયટી અને દોઢસો ફૂટરીંગરોડ સહિત ૩૬ નવા પોઝીટીવ કેસ આવ્યા છે.
મનપાએ આજે સોરઠીયાવાડી રોડ પર નટેશ્વર મંદિર પાસે, રૈયા ચોકડી પાસે અને ગીતા મંદિરની બાજુમાં ભક્તિનગર સર્કલ ખાતે કૂલ ૧૧૮ બેડની ત્રણ કોવિડ હોસ્પિટલને મંજુરી આપી છે. આ સાથે ખાનગી હોસ્પિટલમાં ૩૩૩ બેડની વ્યવસ્થા છે જે મોંઘીદાટ છે અને ઉંચા ભાવ નક્કી કરાયા છે. કોવિડ હોસ્પિટલો સામેવરોધ ઉઠયો છે અને સરકાર નિઃશુલ્ક કે નજીવા દરથી સારવાર અપાવે તેવી લોકમાંગ છે.