ધોરાજી તાલુકામાં રોકેટ ગતિએ કોરોનાનું સદી તરફ પ્રયાણ
- સરકારી તંત્રની નિષ્ક્રીયતા વચ્ચે લોકોની પણ લાપરવાહી
- ટ્રાવેલ હિસ્ટ્રી સાથે હવે સ્થાનિક સંક્રમણ પણ વધતા ચિંતાનો વિષય
ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરેલી મહામારી
ધોરાજી, તા.18 જુલાઈ, 2020, શનિવાર
ધોરાજી માં કોરોનાનો કાળો કેર રોકેટ-ગતિએ સદી તરફ પ્રયાણ કરી રહ્યો ઝે જેમાં આરોગ્ય તંત્રની ઘોર નિષ્ક્રિયતા સાબિત થઈ છે. તો લોકોની લાપરવાહી પણ જવાબદાર ગણાઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓછા સેમ્પલ લેવામાં આવતા હોવા અંગેધોરાજીના ધારાસભ્યએ પણ ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી છે.
કોરોનાનાં કેસો રોકેટ ગતિએ વધતા ચિંતાનો વિષય સર્જાયો છે. આજે ધોરાજી શહેરમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ કોરોના પોઝિટિવ વધતા કુલ આંક ૯૮ એ પહોંચ્યો છે. જેમાં આજે ધોરાજી શહેરમાં વઘાસિયા ચોરા, મોચી બજારમાં ૩૮ વર્ષીય યુવાન અને ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર ધામમાં ૪૫ વર્ષીય સાધુને કોરોના પોઝિટિવ આવતા ધોરાજી તાલુકામાં કુલ કેસનો આંકડો ૧૦૦ સદી નજીક પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૯૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં કુલ પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે.
આ બાબતે ધારાસભ્ય લલિત વસોયાએ પણ ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગમાં ડેપ્યુટી કલેક્ટરને આક્ષેપ કરતા જણાવેલ કે આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોનાનો સાચો આંકડો છુપાવી રહ્યા છે તેમજ જે પ્રકારે નમુના લેવામાં આવે છે. તે પણ ઓછા લેવાઈ રહ્યા છે જેના કારણે ધોરાજીમાં સંક્રમણ વધ્યું છે આ બાબતે તાત્કાલિક આયોજન શું કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું.
પોઝિટિવ કેસોમાં શહેરી વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે જ્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો મળી રહ્યા છે.ધોરાજી શહેરમાં ખાસ પ્રભાવિત વિસ્તારમાં જમનાવડ રોડ, હિરપરા વાડી, જેતપુર રોડ, માતાવાડી, સ્ટેશન પ્લોટ અને પોસ્ટ ઓફીસ પાસેના વિસ્તાર સંવેદનશીલ ગણી શકાય. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ ઓછું છે. છતાં સુપેડી, મોટીમારડ,જમનાવડ સહિત ગામોમાં કોરોના પોઝિટિવ કેસો આવવા લાગ્યા છે. અત્યાર સુધી ધોરાજી શહેરમાં આવેલા કેસો ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા હતા. જેમાં સુરત, મુંબઇ અને અન્ય શહેરોની ટ્રાવેલ હિસ્ટરી હતી. જે હવે લોકલ સંક્રમણમાં તબદીલ થવા લાગતા ગંભીર ચિંતાનો વિષય આરોગ્ય વિભાગ માટે અને નાગરિકો માટે બની રહ્યો છે.
ધોરાજી શહેરના કેસો રાજકોટ જિલ્લામાં સૌથી મોખરે છે. જેને લઈ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી સ્વૈચ્છિક રીતે વેપારીઓએ બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખોલી ત્યારબાદ દુકાનો અને કામધંધા બંધ રાખી જન આરોગ્ય માટે ઉત્તમ પગલું ભર્યું છે.
કોરોના કાળમાં પ્રથમ તબક્કામાં બે મહિના લાબું લોક ડાઉન સળંગ ચાલ્યું હતું. હવે ફરી ૧૫ દિવસ માટે અડધો ટાઈમ દુકાનો બંધ રાખતા વેપારીઓ માટે ખુબજ કપરો સમય બની રહ્યો છે.જેમાં ખાસ કરીને નાના વેપારીઓ અને લારી, ગલ્લા કે ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓ ને ભારે નુકશાની અને મુશ્કેલી વેઠવી પડી રહી છે. બીજી તરફ ધોરાજી વિસ્તારમાં કોરોના ટેસ્ટનું પ્રમાણ આરોગ્ય વિભાગ દ્વારા ઓછું કરી નાખવામાં આવ્યું છે.