Get The App

રાજકોટમાં કોરોનાનો ભરડો, 45 કેસ, 3ના મોત, સૌરાષ્ટ્રમાં કેસો 200ને પાર

- જિલ્લામાં માત્ર 209 ટેસ્ટ થયા તેમાં 30 ટકા પોઝીટીવ! કુલ કેસ 1126

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News

- જુનાગઢ સિવિલના કર્મચારી સહિત 12 કેસ,પોરબંદરમાં પ્રથમવાર એક સાથે 5 કેસ, જામનગર 19,મોરબી 6,ચિત્તલમાં 4,સુ.નગર 38,ભાવનગર જિ.માં 35 નવા કેસો 

- મહાનગર રાજકોટમાં લોકો કોરોનાથી ત્રસ્ત, તંત્ર મીટીંગોમાં વ્યસ્ત 

- રાજકોટમાં ચેકપોસ્ટો શરુ કરવા, સર્વે વધારવા, સહિત પગલાંઓ જરૂરી 

- વેરાવળ સોમનાથમાં વધુ 5 સહિત જિલ્લામાં 11 કેસ, ચોટીલા-દ્વારકામાં એક એક 

રાજકોટમાં કોરોનાનો ભરડો, 45 કેસ, 3ના મોત, સૌરાષ્ટ્રમાં કેસો 200ને પાર 1 - image

રાજકોટ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર

સૌરાષ્ટ્રભરમાં કોરોના મહામારીએ હવે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે અને તેમાંય રાજકોટમાં સૌથી વધુ કેસો સાથે સૌથી ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. રાજકોટ શહેરમાં આજે એક દિવસમાં જ વધુ ૪૫ કેસો સાથે શહેરના કૂલ કેસો ૬૯૮ અને જિલ્લાના કૂલ કેસો ૧૧૨૬ ઉપર પહોંચ્યા છે, શહેરમાં આજે ૩ દર્દીઓના મોત નીપજ્યા હતા. તો જામનગર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કોરોના હટવાનું તો દૂર ઘટવાનું  નામ પણ લેતો નથી બલ્કે સંક્રમણ હવે નવા નવા લત્તાઓ, ગામોમાં ફેલાઈ રહ્યું છે.સૌરાષ્ટ્રમાં એક દિવસમાં ૨૦૦થી વધુ કેસો નોંધાયા છે. 

રાજકોટમાં આજે રૈયાધાર મફતિયાપરા, સંતોષપાર્ક, બજરંગવાડી મેઈનરોડ, રીંગરોડ પર સદ્ગુરુ વંદનધામ, ભક્તિપાર્ક-૧,  પાંજરાપોળ કુંભારભગતની શેરી-૧, ભક્તિનગર, સીતારામ સોસાયટી હૂડકો ચોકડી, મવડીમાં ઓમમધુર પાર્ક, હરિ ધવા મે.રોડ પર ભવનાથ સોસાયટી, આશાપુરા મેઈનરોડ, પરસાણાનગર-૮માં ૧૨ કેસો બપોર પછી અને તે પહેલા ૩૩ કેસો રૈયારોડ પર રાધિકા સોસાયટી, ગોકુલધામ સોસાયટી, ભગીરથ સોસાયટી, પુનમ સોસાયટી-૭, અમીનમાર્ગ પર ડ્રીમ હીલ એપાર્ટમેન્ટમાં ૨, રૈયાનાકા ટાવર રોડ પર સાકેત એપા., નાનામવા રોડ પર સીલ્વર હાઈટ,  પ્રેમમંદિર પાછળ રવિપાર્ક-૬માં ત્રણ વ્યક્તિને, લાખાજીરાજ-૪ હૈદરી ચોક,  યુનિ.રોડ પર મહાલક્ષ્મીનગર,  ગોંડલરોડ, ન્યુ પીપળીયાવાડી, ગોકુલધામ સોસાયટી કૃષ્ણનગર, પૂષ્કરધામ રોડ પર આલાપ સેન્ચુરીમાં  ડો.ઈશીતા વઘાસીયા (ઉ.૨૭) સહિત ૨ કેસો, કોઠારીયા મે.રોડ પર વિવેકાનંદનગર-૧૫, અમીનમાર્ગ પર અનુપમા સોસાયટી, સાધુ વાસવાણી રોડ પર પંજુરી પેલેસ, નહેરુનગર, હૂડકો કોઠારીયા રોડ, અંબિકા ટાઉનશીપ, ગોકુલધામ ક્વાર્ટર, સર્વોદય સોસાયટી, ઘનશ્યામનગર, કાનાભાઈ મફતિયાપરા, ઘનશ્યામનગર મોરબી રોડ અને નવા થોરાળા એમ શહેરના પછાતથી માંડીને પોશ લત્તામાં મહામારી પ્રસરી ચૂકી છે. ગરીબ-તવંગર, આબાલ વૃધ્ધ આ મહામારીની ઝપટે હવે ઝડપથી ચડી રહ્યા છે. 

મહાનગર રાજકોટમાં ગંભીર સ્થિતિ છતાં તંત્ર મીટીંગોમાં જ વ્યસ્ત છે, ચેકપોસ્ટ શરુ કરવાની પહેલેથી માંગણી છતાં તેમ કરાતું નથી કે કોરોનાના લક્ષણો હોય તેને ક્વોરન્ટાઈન કરાતા નથી કે કોરોના દર્દીઓને શહેમરાં શોધીા કાઢવા સઘન સર્વે પણ કરાતો નથી. હા,એક માત્ર મીટીંગ યોજવાનું નક્કર કામ વારંવાર થયે રાખે છે. શહેરના બે સહિત ત્રણ દર્દીઓના આજે મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. 

રાજકોટ જિલ્લામાં આજે માત્ર ૨૦૯ ટેસ્ટ કરાયા હતા. પહેલેથી જ ટેસ્ટ ઓછા છે અને આટલા ટેસ્ટમાં આજે ૩૦ ટકા પોઝીટીવ એટલે કે ૬૨ કેસો નોંધાયા છે જેમાં જિલ્લામાં  ધોરાજીમાં આજે વધુ એક, ગોંડલમાં ૩ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ કેસ નોંધાયા છે. 

મોરબી જિલ્લામાં આજે વધુ ૬ કેસ નોંધાયા હતા જેમાં ટંકારાના ગજડી, શનાળા રોડ, મોરબીના આલાપ રોડ, માધાપર, સામે કાંઠે શક્તિ સોસાયટી વગેરે વિસ્તારમાં કેસો આવ્યા છે. 

જામનગર જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત્ રહ્યો છે, આજે વધુ ૧૯ પોઝીટીવ કેસ નોંધાવા સાથે કૂલ આંક ૫૦૦ને પાર થઈ ગયો હતો. આજે જામજોધપુર, લાલપુરના ખાવડી, ધ્રોલના ખારવા, જામનગરના ખોજા ગેટ, બર્ધન ચોક, શંકર ટેકરી, સિધ્ધિ વિનાયક પાર્ક, શ્રીનિવાસ કોલોની, સોઢાનો ડેલો, નાગર ચકલો, ગુલાબનગર રવિપાર્ક, આનંદનગર, સુભાષ માર્કેટ, નીલકમલ સોસાયટી વગેરસ્વિસ્તારમાં કેસો નોંધાયા છે. 

પોરબંદર અન્ય શહેરોની સરખામણીએ સંક્રમણ ઓછુ હતું પરંતુ, હવે ત્યાં પણ કેસો વધ્યા છે. આજે પ્રથમવાર જ એક સાથે પાંચ કેસો કુમકુમ સોસાયટી, રેલવે કોલોની, ખત્રીવાડ, કડીયાપ્લોટ અને વાઘેશ્વરી પ્લોટમાં આમ માત્ર સિટીમાં પાંચ કેસ નોંધાયા છે. ગ્રેઈન મરચન્ટ બાદ ઈલેક્ટ્રીક મર્ચન્ટ એસોસીએશન સાથે જોડાયેલ વેપારીઓએ સાંજના છ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે, આમ લોકો સ્વેચ્છાએ લોકડાઉન પાળવા લાગ્યા છે.  કોરોનાને હવે ગંભીરતાથી લ ેવાનો સમય આવી ગયો છે અને માસ્ક સહિતના નિયમો પાળવા અપીલ થઈ છે. 

જુનાગઢ જિલ્લામાં સચિવની નિમણુક થઈ છે ત્યારે આજે આશ્ચર્યજનક રીતે કેસોની સંખ્યા ઘટીને ૧૨ થઈ હતી. જુનાગઢમાં સિવિલ હોસ્પિટલના બે કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડયા છે. જ્યારે રણછોડનગર, આકાશગંગા સોસાયટી, નીચલા દાતાર, તેમજ ભેંસાણ તા.ના કોયલી, વંથલી, વાડલા ફાટક નજીક, કેશોદ તા.ના ખીરસરા વગેરે વિસ્તારમાં  નવા કેસો આવ્યા છે. 

ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ ૧૬  કેસ નોંધાયા છે જેમાં તલાલા તા.ના ૨, ઉના ૨, સૂત્રાપાડા ૨, બહારગામના ૪, સોમનાથ વેરાવળના ૬ પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે. 

અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના પીઠવડી, લાઠીના ચાવંડ, અમરેલીના બટારવાડી, ખાંભાના મોટા બારમાણ, કુંકાવાવના બરવાળા, બાબરાના ધરાઈ વાવડી, અમરેલીના કમીગઢ સહિત ૭ પોઝીટીવ કેસ જાહેર થયા છે. જ્યારે ચિત્તલ આરોગ્ય કેન્દ્રમાં રેપીડ ટેસ્ટ કરાયો તેમાં વધુ ૪ કેસો આવ્યા છે. વડિયાના બરવાળા બાવળમાં પોઝીટીવ કેસ આવતા કન્ટેનમેન્ટની કાર્યવાહી કરાઈ હતી.

દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તા.ના સલાયામાં રહેતા મહિલાને કોરોના પોઝીટીવ આવેલ છે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તો ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં પ્રથમ જેને ચેપ લાગ્યો હતો તેમના પત્નીનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. 

ભાવનગર શહેરમાં આજે ૨૬ કેસો સાથે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જિલ્લામાં ૧૨ સહિત જિલ્લાના આજે ૩૮સાથે  કૂલ કેસો ૧૦૦૦ને પાર થઈ ૧૦૧૬ થયા છે. આજે ગારીયાધર,પાલીતાણા, મહુવા, સિહોર તાલુકામાં કેસો નોંધાયા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ  કૂલ ૩૫ કેસો સાથે કૂલ આંકડો ૫૦૦ને પાર થયો છે. 

Tags :