તાપમાનનો પારો ઉંચકાયો છતાં ભાવનગર ટાઢુંબોળ
- લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીના વધારા સાથે ઠંડીનો પારો 16.5
- 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી લોકો ઠંડીમાં ઠુંઠવાયા
ભાવનગર,16 ડીસેમ્બર 2019 સોમવાર
ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે શરીર ધુ્રજાવે તેવી ઠંડી પડતા ભાવનગર ટાઢુંબોળ થઈ ગયું હતું. સવારથી જ ઠંડો પવન ફૂંકાવાને કારણે શહેરીજનોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની નોબત આવી હતી. ઠંડીની જમાવટ છતાં છેલ્લા ૨૪ કલાકમાં ઠંડીનો પારો એક ડિગ્રી ઉપર ઉંચકાયો હતો. જ્યારે દિવસનું તાપમાન સ્થિર રહ્યું હતું.
કાશ્મીરમાં હિમવર્ષાને કારણે ભાવનગર જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને ટાઢોબોળ પવન ફૂંકાવાને કારણે તાપમાનનો પારો નીચે રહ્યો છે. શહેરીજનોએ રવિવારે કડકડતી ઠંડીનો અનુભવ કર્યા બાદ સપ્તાહના પ્રારંભેે પણ શિયાળાની ધુ્રજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં સવારથી જ ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થઈ જતાં વહેલી સવારે લોકોને પથારીની બહાર નીકળવું ગમતું ન હતું. કોઠી-ગોળામાં પણ જાણે બરફ નાંખ્યો હોય તેમ પાણી ઠંડું થઈ ગયું હતું.
ઠંડીની જમાવટને કારણે આખા દિવસ લોકો ગરમ વસ્ત્રોના સહારે રહ્યા હતા. રાત્રે તો ઠંડીએ કર્ફ્યું જેવો માહોલ સર્જી દીધો હતો. આજે સપ્તાહના પ્રારંભે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સાથે સ્થિર રહ્યું હતું. તો લઘુતમ તાપમાન છેલ્લા ૨૪ કલાકમાં એક ડિગ્રી વધી ૧૬.૫ થઈ ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા સાથે સ્થિર રહ્યું હતું.