હેબતપુર બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય
- અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠક જીતવા રસાકસી જામી
- ભાજપના ઉમેદવારોનો પરાજય: વિજય મળતા કોંગ્રેસ અગ્રણી-કાર્યકર ગેલમાં: હેબતપુરની બેઠક જાળવી રાખવામાં કોંગ્રેસ સફળ
ભાવનગર,31 ડીસેમ્બર 2019 મંગળવાર
અમદાવાદ જિલ્લા પંચાયતના હેબતપુર-૧ર બેઠકની પેટા ચૂંટણીમાં આજે મંગળવારે કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે, જયારે ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે. વિજય મળતા કોંગ્રેસ અગ્રણી-કાર્યકર ગેલમાં આવી ગયા હતા, જયારે ભાજપમાં સન્નાટો છવાય ગયો હતો. ધોલેરા તાલુકાની હેબતપુર બેઠક પર કોંગ્રેસ દબદબો જાળવી રાખ્યો છે.
કેટલાક વર્ષ પૂર્વે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય ભાજપમાં ભળી જતા અમદાવાદ જિલ્લા પંચાયતની ધોલેરા તાલુકાની ૧ર-હેબતપુર બેઠક ખાલી પડી હતી. આ બેઠકમાં પર ગત રવિવારે પેટા ચૂંટણી યોજાય હતી અને ૪૦ ટકા આસપાસ મતદાન નોંધાયુ હતું. આજે મંગળવારે સવારે તાલુકા મથકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર નરેશ હરજીભાઈ ખસીયા (નીરૂભાઈ ખસીયા)ને ૩૭૮૪ મત મળ્યા હતા અને તેઓનો ૧૭૧ મતે ભાજપના ઉમેદવાર સામે ભવ્ય વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર અનીલ ધીરૂભાઈ વેગડને ૩૬૧૩ મત મળ્યા હતા, જયારે લાલજી મીઠાપરાને ૯૩૦ મત મળ્યા હતાં. નોટાને ૧૩૦ મત મળ્યા હતાં. કુલ ૮૪પ૯ મતની ગણતરી કરવામાં આવી હતી.
આ બેઠક જીતવા કોંગ્રેસ-ભાજપ વચ્ચે ભારે રસાકસી જામી હતી અને મતગણતરી દરમિયાન પણ ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો પરંતુ અંતે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા કોંગ્રેસ અગ્રણી-કાર્યકર ગેલમાં આવી ગયા હતાં. કોંગ્રેસના વિજેતા ઉમેદવારના સમર્થકો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા અને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર ધોલેરા તાલુકાના સાંગાસર ગામના વતની છે અને હાલ તેઓ ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં રહે છે તેથી ભાવનગરના તેઓના સમર્થકોમાં આનંદની લાગણી ફરી વળી હતી.