Gujarat

કોરોના સામે કરુણા : 8 હજાર પશુ-પક્ષીઓની સારવાર, હજારોને પીરસાયાં દાના-પાની

By GS Team
24 May 20203 mins read
This article was originally published on 24 May 2020
કોરોના સામે કરુણા : 8 હજાર પશુ-પક્ષીઓની સારવાર, હજારોને પીરસાયાં દાના-પાની

- એનિમલ ફાઉન્ડેશનની બહેતરીન સેવા

- ખીસકોલીઓને મકાઈ ડોડા, શ્વાનોને રોટલી, ગૌ-વંશને ગોળનું પાણી અને ઘાંસ માટે ૧૫૦ કાર્યકરોનું શ્રમદાન

રાજકોટ, તા. 24 મે 2020, રવિવાર

પ્રથમ ષ્ટિએ કદાચ મુદ્દો સામાન્ય લાગે, પરંતુ વાસ્તવમાં લોકડાઉન-૧ થી ૩  દરમિયાન ભૂખ-તરસથી અબોલ પશુઓનાં ટપોટપ મોત ન થયા એ લાખો માનવીઓ પરથી મોટી ઘાત ટળ્યાં સમાન જ કહી શકાય. જેમની રોજગારી બંધ થઈ ગયેલી એ હજારો માણસોને તો બે ટંક ભોજન પૂરું પાડવાનો જે સેવાયજ્ઞા ચાલ્યો, એટલું જ મહત્ત્વનું કામ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં જીવદયા પ્રેમીઓએ પણ કરી જાણ્યું છે. 

આવશ્યક સેવાઓ પૂરી પાડતા કર્મશીલો અને અન્નદાન - ભોજનદાન કરતા કાર્યકરોને જેમ લોકડાઉન મુક્તિ પાસ અપાયા હતા, તેમ જીવદયાનું કાર્ય કરતી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટની એનિમલ હેલ્પલાઈને સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતનાં નિયમો પાળીને પ્રથમ ત્રણ લોકડાઉન દરમિયાન રાજકોટ ઉપરાંત શહેરની એક તરફ છેક બામણબોર સુધી, મોરબી રોડ પર રતનપર અને બેડી સુધી, કાલાવડ રોડ પર મેટોડા અને ગોંડલ રોડ પર શાપર સુધી પશુ-પક્ષીઓને રોજેરોજ દાના-પાની આપવા દોડધામ કરી હતી, જે અંશતઃ હજુ પણ ચાલુ છે. અત્યાર સુધી કોરોના કહર વચ્ચે આઠ એમ્બ્યુલન્સને વેટરનરી ડોક્ટર સહિતની ટીમ સાતે ૨૪ કલાક સ્ટેન્ડ ટુ રાખીને આઠે'ક હજાર બીમાર અને ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, અને નવ કન્ટ્રોલરૂમ રખાયા હતા, જેમાંનો એક સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે હજુ પણ કાર્યરત રખાયો છે. 

કીડીયારામાં લોટ, શેરી શ્વાનોને રોટલી, ગૌ-વંશને ગોળનું પાણી અને રોટલી, ચબૂતરામાં ચણ, અવેડા અને ચબૂતરાની સફાઈ, વિશેષ ટેન્કરો દ્વારા જનસેવા, ખીસકોલીને મકાઈ ડોડાનું ભોજન, ચકલીના માળાઓ, પક્ષીઓને પીવાનું પાણી આપવા કૂંડ (રામપાતર), બર્ડ ફીડ, માછલીઓને લોટની ગોળી વગેરે માટે ૧૫૦ કાર્યકરોએ શ્રમદાન આપ્યું હતું. સેવાભાવીઓ કહે છે 'આ સેવાકાર્યમાં લાભાર્થીઓ (પશુઓ)ને સામેથી શોધવા પડે છે, કેમ કે શાપર કે બેડી કે મેટોડાના શ્વાન કાંઈ ખોરાક માટે રાજકોટ આવી શકે નહીં, અને ભોજન આપવા જતી ગાડીને પણ ઢોર-પકડની ગાડી જાણી ભાગી જાય એ મુસીબત વળી અલગ !

લોકો પશુઓને ખવડાવવા બહાર નીકળી શકતા ન હોય અને હોટેલો-ઢાબા બંધ હોય એી સ્થિતિમાં એંઠવાડ પર નભતા અબોલ જીવોના જો ભૂખ-તરસથી મોત થયા હોત તો મૃતદેહોના સમયસર નીકાલમાં તંત્ર પહોંચી ન વળત, અને કોરોનાથી પણ મોટો રોગચાળો આવી પડવાની શક્યતા નકારી ન શકાત !' રોજ ૫૦ વાહનો મારફત ૨૫૦૦ કિલો ચણ, હજારો રોટલી, જથ્થાબંધ લોટ વગેેર મૂક પશુ-પક્ષીઓને પૂરા પડાયા છે, જે કામ આજે સતત ૬૪મા દિવસે રવિવારે પણ ચાલુ રખાયું હતું, કેમ કે ભૂખ-તરસને લોકડાઉન કે રજાનો બાધ નથી હોતો! ''કોરોના સામે કરૂણા'' ટેગલાઈન સાથે આ જીવદયાકાર્ય તા.૩૧મે સુધી ચાલવાનું છે. 

ચણની રેંકડીઓ બંધ, ભૂગર્ભ ગટરોથી છીનવાયો પાણીનો સ્ત્રોત !

રાજકોટના રેસકોર્સ મેદાન, જ્યુબિલીના પ્રવેશદ્વાર સહિત કેટલાંક સ્થળે વિશાળ ચબૂતરા છે, પરંતુ મોટાભાગના લોકો ત્યાં પહોંચીને રેંકડીમાંથી ચણ ખરીદીને નાખતા હોય છે, જે રેંકડીઓ જ લોકડાઉન-૧ થી ૩ માં બંધ રહેતી એટલે ત્યાં જ ચણની મુખ્ય જરૂર પડતી. આ ઉપરાંત, પશુઓ પાણી ન મળે તો ખુલ્લી ગટરમાંથી તરસ છીપાવી લેતાં પરંતુ હવે ઘણાં નગરોમાં ભૂગર્ભ ગટરો બની ગઈ હોવાથી તેમનો એ સ્ત્રોત પણ છીનવાઈ ગયો છે !

સોશ્યલ મીડિયામાં ૧૩ હજાર ઈમેજિસ : સો શહેરોને પ્રેરણા

અબોલ જીવોને ભોજન, પાણી આપવાની અન્યોને પ્રેરણા મળે એ માટે જીવદયા પ્રવૃત્તિનો પ્રચાર-પ્રસાર કરતી ૧૩ હજારથી વધુ ઈમેજિસ સોશ્યલ મીડિયામાં વહેતી કરવામાં આવી હતી, અને વિશેષ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેન્ટર પણ કાર્યરત રખાયું હતું. એનિમલ ફાઉન્ડેશનના મિતલ ખેતાણી કહે છે કે ''આમાંથી પ્રેરિત થઈને ૧૦૦ જેટલાં શહેરોમાં કોઈ ને કોઈ સેવાભાવી સંગઠનો અબોલ જીવોની સેવા માટે કાર્યરત થયા છે.''