CNG પોર્ટ ટર્મિનલની સ્થાપનાથી ભાવનગર બંદરની જાહોજલાલી ફરી પાછી આવવાની ઉમ્મીદ
- ભાવનગર બંદરે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ સ્થપાશે
ભાવનગર, તા. 10 નવેમ્બર 2019, રવિવાર
હીરા અને અલંગ ઉદ્યોગ પર નભતા ભાવનગરની છેલ્લા કેટલાક વર્ષોથી ધંધા-રોજગાર બંધ થવા લાગતા તેમજ મંદીના અજગરી ભરડામાં સપડાતા આર્થિક રીતે કમર ભાંગવા માંડી છે. ત્યારે નવી રોજગારી અને વિશ્વ ફલક પર ભાવનગરનું નામ ગુંજતું થાય તેવા વાવડ આવ્યા છે. ભાવનગર બંદરની જાહોજલાલી ફરી પાછી આવશે તેવી આશા સાથે વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદર ખાતે નિર્માણ થશે તેવી રાજ્યના સીએમએ જાહેરાત કરી છે.
ભાવનગર બંદર ખાતે આગામી વર્ષોમાં 1900 કરોડના ખર્ચે દુનિયાનું સૌ પ્રથમ CNG ટર્મિનલની સ્થાપના થશે. આ માટે રાજ્યના મુખ્યમંત્રીએ એજીઆઈડીબીના અધ્યક્ષ તરીકે સીએનજી પોર્ટ ટર્મિનલની દરખાસ્તને રાજ્ય સરકાર અને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડની મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
યુ.કે. સ્થિત ફોરસાઈટ જુથ અને મુંબઈની પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા આ પ્રોજેક્ટ માટે 1900 કરોડનું મુડી રોકાણ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે ફોરસાઈટ ગૃપ અને પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ સ્થાપવા માટે પ્રી-ફિઝીબીલિટી પ્રોજેક્ટ રિપોર્ટ, સાઈટ સિલેક્શન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ, સીએનજી વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવ્યું છે.
હવે રાજ્ય સરકારની બુટ નીતિ 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જીએમબી અને કંપી વચ્ચે કન્સેસન એગ્રીમેન્ટ થશે. નોંધનિય છે કે, 2019ની વાયબ્રન્ટ સમિટમાં જીએમબી અને લંડનની ફોરસાઈટ ગૃપ કંપની વચ્ચે ટર્મિનલ સ્થાપવા માટેના એમઓયુ કરાયા હતા.
વધુમાં CNG પોર્ટ ટર્મિનલ માટે ભાવનગર બંદરની ઉત્તર બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં ખાસ કરીને પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, બે લોકગેટ, કિનારા ઉપર સીએનજી પરિવહન માટેનું આંતર માળખું વગેરે સુવિધા વિકસાવવામાં આવશે. કંપની દ્વારા બંદર ખાતે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનસ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાગળ ઉપરનો આ સૂચિત પ્રોજેક્ટ જો હકીકત બને તો એક સમયમાં કાર્ગો પરિવહનથી વિશ્વભરમાં ભાવનગરની જેવી જાહોજલાલી હતી. તેનું પુનરાગમન થશે તેવી ઉજળી આશા છે. નોંધનિય છે કે, ભાવનગર ખાતે પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ પ્રોજેક્ટની સ્થાપવા અંગે સ્થાનિક પોર્ટ ઓથોરિટીની હજુ સુધી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી, આ અંગેના કોઈ ડેક્યુમેન્ટ્સ પણ મળ્યા ન હોવાનું જીએમબીના સૂત્રોએ જણાવ્યું હતું.
બે તબક્કામાં રોકાણ થશે
ભાવનગર ખાતે વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલનો સૂચિત પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. ટર્મિનલ માટે કુલ 1900 કરોડનું મૂડી રોકાણનો લક્ષ્ય રખાયો છે. જેમાં પ્રથમ તબકકામાં ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રૂટ મારફત 1900 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેમાં 500 કરોડના વિદેશી રોકાણનો સમાવેશ છે.
CNGની ક્ષમતા 1.5 મે. ટનની હશે, કાર્ગો પરિવહન ત્રણ ગણું થશે
ભાવનગર બંદરની હાલ કાર્ગો વહનની વાર્ષિક ક્ષમતા ૩ મિલીયન મેટ્રીક ટન છે. જે નવા CNG પોર્ટ ટર્મિનલની સ્થાપના બાદ ત્રણ ગણી વધીને 9 મેટ્રીક ટન થઈ જશે. 9માંથી 6 મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન આ પ્રોજેક્ટ થકી થશે. આ ઉપરાંત CNG ટર્મિનલની CNG વાર્ષિક ક્ષમતા 1.5 મિલીયન મેટ્રીક હશે.
ટર્મિનલનો ફાયદો ઉત્તર અને પશ્ચિમ છેડાને મળશે
ભાવનગર બંદર ખાતે સીએમજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલની સ્થાપવાનો પ્રોજેક્ટ હાલ ગતિમાં છે. ત્યારે ભાવનગર બંદર સુધી બ્રોડગેજ રેલવે લાઈન અને નેશનલ હાઈવે જોડાયેલા હોવાથી ધોલેરા સરની સાથે ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને પણ મળશે. આ ટર્મિનલ બંદરિય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમાચિહ્ન બની રહેશે તેમ લાગી રહ્યું છે.