કાલે રવિવારની રજામાં શહેરીજનોને લાઈટ કાપની સજા, 8 કલાકનો કાપ
ભાવનગર, તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર
જેટકો દ્વારા 220 કે.વી. વરતેજ સબ સ્ટેશનમાં કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલએ રવિવારે શહેરીજનોને આઠ કલાકના લાઈટ કાપની રજા ફટકારી છે. રવિવારની રજામાં આખા શહેરમાં ઝીંકાયેલા સવારથી સાંજ સુધીના પાવરકાપને કારણે શહેરીજનોને હાડમારીનો સામનો કરવો પડશે.
ભાવનગર શહેરમાં આગામી તા.૨૨-૧૨ને રવિવારે સવારે ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ રાખવાનું એલાન કર્યું છે. વીજ તંત્રના જણાવ્યા પ્રમાણે જેટકો દ્વારા મરામત કામગીરી કરવાની હોવાને કારણે માત્ર એક-બે વિસ્તાર નહીં પરંતુ આખા શહેરની સાથે ભાવનગર નજીકના વરતેજ, સિદસર, નવાગામ, મામસા સબ સ્ટેશન નીચેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આઠ કલાકનો પાવરકાપ ઝીંકવામાં આવ્યો છે.
રવિવારની રજામાં લાઈટ ન હોવાને કારણે પાવર કાપ સજારૂપ બની રહેશે તેમ મોબાઈલમાં બેટરી ઉતરી જવાની ચિંતા અને ઘરમાં ટીવી બંધ રહેવાથી લોકોને સમય પસાર કરવો મુશ્કેલ બની રહેશે. વધુમાં સ્ટીલકાસ્ટ, એક્સેલ, મધુ સિલિકા અને નર્મદા વગેરે કંપનીનો પણ વીજ પુરવઠો રવિવારે બંધ રાખવામાં આવશે તેમ પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
શહેર-ગ્રામ્યના આ વિસ્તારોમાં પાવર રહેશે બંધ
રવિવારે આઠ કલાકના વીજકાપને કારણે પીજીવીસીએલ શહેર વિભાગ-1 હેઠળ આવતી પેટા વિભાગીય કચેરી પાવર હાઉસ, ખારગેટ, ડાયમંડ ચોક, કાળાનાળા, કુંભારવાડા, એચ.ટી., શહેર વિભાગ-રની પેટા વિભાગીય કચેરી હિલ ડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા ઉપરાંત ઘોઘા, મામસા અને ગ્રામ્ય વિભાગ હેઠળની પેટા વિભાગ કચેરીના વરતેજ સબ સ્ટેશન નીચે આવતા ભંડાર-જેજીવાય, વરતેજ-એજી, આઈઓટીએ-જેજીઆઈ, નવાગામ જેજીવાય, વાળુકડ-એજી, ટીસીએલ, ફરિયાદકા-એજી, બીસીડબ્લ્યુ, સિદસર અર્બર ફીડરના તમામ વિસ્તાર, ૬૬ કે.વી. સિદસર સબસ સ્ટેશનના લાખણકા એજી, બુધેલ ડબ્લ્યુડબ્લ્યુ, અધેવાડા-જેજીવાય અને 66 કે.વી. નવાગામ સબ સ્ટેશનના જાળિયા-એજી, ખોડિયાર-એજી, સોણવદર-એજી અને ઉંડવી-એજી ફીડર નીચે આવતા વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે તેમ જણાવાયું છે.