કરમદિયા ગામે બુકાનીધારી ગેંગે સનસનીખેજ લૂંટ ચલાવી
- નિંદ્રામાંથી જાગી ગયેલા વૃધ્ધ દંપતી અને પૌત્રી ઉપર ધોકાથી હુમલો કર્યો
- વૃધ્ધના ગળા-કાનમાંથી સોનાના દાગીના આંચકી દિવાલ ઠેકી આઠ લૂંટારું ફરાર : એલસીબી-એસઓજી, બગદાણા પોલીસે બુકાનીધારી ગેંગને પકડી પાડવા તપાસનો ધમધમાટ આદર્યો
સનસનીખેજ લૂંટની ઘટના અંગે મળતી વિગત અનુસાર મહુવાના કરમદિયા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે, પટેલ શેરીમાં રહેતા અને કન્ટ્રક્શનના નાના-મોટા સરકારી કામ રાખતા લાભશંકરભાઈ દેવજીભાઈ લાધવા (ઉ.વ.૭૩), તેમના પત્ની જીકુબેન અને પૌત્રી માયાબેન (ઉ.વ.૨૦) ગઈકાલે રાત્રિના સમયે વાળુપાણી કરી મકાનની ઓસરીમાં ઢોલિયો ઢાળી સૂતા હતા. ત્યારે શરૂ રાત્રિના આશરે ૨-૪૫ કલાકના અરસામાં કાળા કપડાં પહેરેલા અને મોઢે બુકાની બાંધીને આવેલા આઠ શખ્સ મકાનના દાદરની સામેની દિવાલ ઠેકી અંદર પ્રવેશ્યા હતા. ત્યારે અવાજ થતાં વૃધ્ધ જાગી ગયા અને કોણ છે તેમ કહેતા ચાર લૂંટારુએ ખાટલા (ઢોલિયા) પાસે આવી ગળે લાકડાના ધોકા રાખ્યા હતા અને અન્ય ચાર શખ્સે મકાનમાં બે રૂમના આગળિય ખોલી અંદર જઈ કબાટના દરવાજાનો લોક તોડી અંદર રહેલ રોકડ રૂા.૫,૨૩,૦૦૦, ચાંદીની કડલી, ચાપડા, નાની જાંજરી, રાખડી વગેરેની ચોરી કરી હતી.
દરમિયાનમાં વૃધ્ધે પ્રતિકાર કરતા તેમને આડેધડ લાકડાના ધોકાથી માર મારવા લાગતા તેમના પત્ની જીકુબેન જાગી ગયા હતા. જેથી લૂંટારુઓએ ચુપચાપ સૂઈ રહેવા કહીં વૃધ્ધા અને બાદમાં પૌત્રી માયાબેન લાકડાના ધોકા મારી ઈજા પહોંચાડી હતી. દરમિયાનમાં દાદા-દાદી, પૌત્રીએ બૂમાબૂમ કરતા વૃધ્ધના પુત્રવધૂ જાગી ગયા હતા. જેથી બુકાનીધારી ગેંગના આઠેય લૂંટારુઓ વૃધ્ધા જીકુબેનને મોઢા ઉપર માર મારી ગળામાંથી સોનાનો ચેન, બન્ને કાનની બુટ્ટી, સોનાની કડી ખેંચી લૂંટ ચલાવી દિવાલ કૂદીને ભાગી ગયા હતા.
આ ચકચારી લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા બગદાણા પોલીસનો સ્ટાફ પ્રથમ દોડી ગયો હતો. તેમજ ઈજાગ્રસ્ત વૃધ્ધ દંપતી અને તેમના પૌત્રીને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહુવાની હનુમંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે લાભશંકરભાઈ લાધવા (ઉ.વ.૭૩)એ બુકાનીધારી ગેંગના આઠ શખ્સ સામે બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૯૫, ૪૫૮ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ વાય.પી. વ્યાસે હાથ ધરી છે. ચકચારી લૂંટ-હુમલાને અંજામ આપનારા શખ્સોના સગળ મેળવવા બગદાણા પોલીસની સાથે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફ પણ જોડાયો છે.
સરકારી કોન્ટ્રાક્ટર રાખનારા વૃધ્ધના પુત્રો સરકારી નોકરિયાત
કરમદિયા ગામે વૃધ્ધના ઘરે પરિવારજની હાજરી વચ્ચે બુકાનીધારી ગેંગે હુમલો-લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. પૈસેટકે સધ્ધર વૃધ્ધના ત્રણ પુત્ર પણ સરકારી નોકરી કરી રહ્યા છે. જેમાં મોટો પુત્ર બાલશંકરભાઈ ભમોદરા સરકારી હોસ્પિટલ, નાનો પુત્ર રમેશભાઈ ગુંદરણા સરકારી દવાખાને અને તેનાથી નાનો પુત્ર મહેશભાઈ લાધવા ભાવનગર સર ટી.હોસ્પિટલમાં નોકરી કરી રહ્યા છે. તમામ ભાઈઓ અને વૃધ્ધ દંપતી સંયુક્ત પરિવારમાં રહે છે. ઘટના બની ત્યારે પુત્રો તેમના પત્ની-પરિવાર સાથે અલગ-અલગ રૂમમાં સૂતા હતા.
રેકી કરી ચોરીનો પ્લાન ઘડયો હોવાની સંભાવના
વૃધ્ધ લાભશંકરભાઈને ૩૫ વીઘા ખેતીની જમીન છે. સાથે સરકારી કોન્ટ્રાક્ટના કામો પણ રાખે છે. આ ઉપરાંત તેમના ત્રણેય સંતાન સરકારી નોકરિયાત હોય, જેથી આર્થિક રીતે સુખી-સંપન્ન પરિવારના ઘરમાંથી મોટી રકમ મળવાની પૂરી શક્યતા હોય, જેના કારણે જ બુકાનીધારી ગેંગે વૃધ્ધના ઘરને ટાર્ગેટ બનાવી રેકી કરીને ચોરીનો પ્લાન ઘડયો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ચોરી-લૂંટને અંજામ આપનારા શખ્સો જાણભેદુ હોવાની પણ આશંકા છે.