બોટાદમાં કોંગ્રેસમાં ભંગાણ, યાર્ડના ચેરમેન સહિત ચાર ભાજપમાં જોડાયા
- ગત બુધવારે માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેચ સહિત પાંચ સભ્ય ભાજપમાં ભળ્યા હતા
- બોટાદ માર્કેટીંગમાં હવે ભાજપનુ શાસન, કોંગ્રેસમાં સન્નાટો
બોટાદ,29 ડીસેમ્બર 2019 રવિવાર
બોટાદ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન સહિતના પાંચ સભ્યો ચાર દિવસ પૂર્વે ભાજપમાં ભળ્યા હતા તેથી કોંગ્રેસમાં ભંગાણ થયુ હતું. બોટાદ કોંગ્રેસમાં વિખવાદ ચાલુ રહેતા આજે રવિવારે બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાય જતા કોંગ્રેસમાં સન્નાટો જોવા મળ્યો હતો. બોટાદ માર્કેટીંગ યાર્ડ પર ભાજપનુ શાસન થતા અગ્રણી-કાર્યકરો ગેલમાં આવી ગયા હતાં.
રાજકારણમાં હવે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવુ સામાન્ય બની ગયુ છે તેથી વારંવાર રાજકીય અગ્રણી-કાર્યકરો પક્ષ પલ્ટો કરતા હોય છે, આવુ જ ચિત્ર બોટાદમાં જોવા મળી રહ્યુ છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કોંગ્રેસનુ શાસન હતુ પરંતુ ગત બુધવારે બોટાદ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન સહિતના પાંચ ડિરેકટર કોંગ્રેસમાં જોડાય ગયા હતા તેથી કોંગ્રેસમાં ભંગાણ થયુ હતું. આ વાત હજુ તાજી છે ત્યાં આજે રવિવારે બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.એમ.પટેલ, ડિરેકટર ભીખુભાઈ મેર, ડિરેકટર ભીખાભાઈ રાઠોડ અને ડિરેકટર અરવિંદભાઈ સલીયા વગેરે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા તેથી કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો.
બોટાદ માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના ચૂંટાયેલા મોટાભાગના સભ્યો ભાજપમાં ભળી ગયા છે તેથી બોટાદ માર્કેટીંગ યાર્ડમાં હવે ભાજપનુ શાસન જોવા મળશે તેમ જણાય રહ્યુ છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો અને અંતે કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાય ગયા હતાં. બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.એમ.પટેલ ગત વિધાનસભામાં કોંગ્રેસની ટિકિટ પર લડયા હતા અને ભાજપના સૌરભ પટેલ સામે આશરે ૯૦૦ મતે પરાજય થયો હતો. તેઓ પૂર્વ બોટાદ જિલ્લા પ્રમુખ પણ રહી ચૂકયા છે અને હવે તેઓ ભાજપમાં ભળ્યા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના સભ્યો ભાજપમાં ભળતા ભાજપના અગ્રણી-કાર્યકર ઉત્સાહમાં જોવા મળ્યા હતાં.