ભાવનગર મહાનગરપાલિકા વાહન કરમાં વધારો ઝીંકશે.!
ભાવનગર, તા. 20 નવેમ્બર 2019, બુધવાર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વાહન કરમાં વધારો ઝીંકવાની હિલચાલ રહી છે અને વાહન કરના રેઈટ રીવાઇઝ કરવા માટે ટેક્ષ કલેકશન વિભાગે સ્ટેન્ડીંગ કમિટિને દરખાસ્ત મોકલી છે, જયારે ઈલેકટ્રીક વાહનને સંપૂર્ણ મૂકિત આપવાની દરખાસ્ત કરાઈ હોવાનુ જાણવા મળેલ છે. વાહન કરમાં વધારો ઝીંકાશે તો વાહન ચાલકો પર બોજ વધશે તેમ જણાય રહ્યુ છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ અને સાધારણ સભા મંજુરી આપશે કે નહી ? તેની રાહ જોવાય રહી છે.
મહાપાલિકાના ટેક્ષ કલેકશન વિભાગે તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિને વાહન કરના રેઈટ રીવાઇજ કરવા માટે અને ઈલેકટ્રીક વાહનને સંપૂર્ણ મૂકિત આપવા માટે દરખાસ્ત કરી છે. હાલ મહાપાલિકા દ્વારા ગત વર્ષ 2012-13ના ઠરાવ મુજબ આજીવન વાહન કર વસુલવામાં આવે છે, જેમાં સ્કૂટર, બાઈક, ઓટો રીક્ષા, લોડીંગ રીક્ષા, મોટરકાર સહિતના વાહન કર જુદા જુદા છે. આજીવન વાહન કર વાહનની શો રૂમ પ્રાઈઝના 1.0 ટકાથી 1.5 ટકા સુધી વસુલવામાં આવે છે.
આ ઉપરાંત બેઝિક પ્રાઈઝના 1.50 ટકાથી 2.00 ટકા લેખે વસુલવામાં આવી રહ્યા છે. ટેક્ષ કલેકશન વિભાગે સ્ટેન્ડીંગ કમિટિને મોકલેલ દરખાસ્તમાં મોટાભાગના વાહન કરમાં થોડો થોડો વધારો કરવામાં આવ્યો છે. ઈલેકટ્રીક વાહનથી પ્રદુષણ નિયંત્રણ થઈ શકે તેવુ કારણ આપી સંપૂર્ણ મૂકિત આપવાની દરખાસ્ત કરાઈ છે.
સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ વાહન કરના રેઈટ રીવાઇઝને મંજુરી આપે છે કે નહી? તે જોવુ જ રહ્યું. સ્ટેન્ડીંગમાં મંજુરી અપાશે તો આ દરખાસ્ત સાધારણ સભામાં આવશે. સાધારણ સભા જો મંજુરી આપશે તો નવા વાહન કર નવા વર્ષથી લાગુ પડશે તેમ જણાય રહ્યુ છે.
વાહન કર વધશે તો વાહન ચાલકો પર ભારણ વધશે અને ઈલેકટ્રીક વાહન ચાલકોને ફાયદો થશે ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ શુ નિર્ણય કરે છે? તેની હાલ રાહ જોવાય રહી છે. વાહન કરના રેઈટ રીવાઇઝની દરખાસ્તના પગલે હાલ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.