દિલ્લીની રેલીમાં ભાવનગરના કોંગ્રેસ અગ્રણી-કાર્યકર જોડાયા
- દિલ્લીમાં કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં કાર્યકરો ઉમટી પડયા
ભાવનગર, 14 ડીસેમ્બર 2019 શનિવાર
કોંગ્રેસ પક્ષે આજે શનિવારે દિલ્લી ખાતે ભારત બચાવો રેલીનુ આયોજન કર્યુ હતુ, જેમાં ભાવનગર સહિત દેશભરમાંથી બહોળી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી-કાર્યકર જોડાયા હતાં. ભારત બચાવો રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓએ પ્રજાના પ્રશ્ન ઉઠાવી ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા હતા અને ભાજપને આડે હાથ લીધી હતી.
બસ, ટ્રેન અને પ્લેન માર્ગે કોંગ્રેસ અગ્રણી-કાર્યકર રેલીમાં પહોંચ્યા : મોંઘવારી, બેકારી, ખરાબ અર્થવ્યવસ્થાના મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
નવી દિલ્લીના રામલીલા મેદાન ખાતે આજે શનિવારે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બચાવો રેલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ખેડૂતને અન્યાય, બેરોજગારી, મોંઘવારી, મહિલાઓ પર અત્યાચાર, ખરાબ અર્થવ્યવસ્થા સહિતના પ્રશ્નો કોંગ્રેસ અગ્રીણ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા અને ભાજપ સરકારને ઘેરવામાં આવી હતી. ભારત બચાવો રેલીમાં ભાવનગર સહિત દેશભરમાંથી કોંગ્રેસ અગ્રણી-કાર્યકરો ઉમટી પડયા હતાં.
ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો, નગરસેવકો, જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના પ્રમુખ, મહામંત્રી સહિતનાને ભારત બચાવો રેલીમાં જોડાવા સુચના આપવામાં આવી હતી. આ સુચનાના આધારે ભાવનગર શહેર અને જિલ્લામાંથી આશરે ૮૦ કોંગ્રેસ અગ્રણી-કાર્યકર દિલ્લીની ભારત બચાવો રેલીમાં જોડાયા હોવાનો સ્થાનીક કોંગ્રેસ અગ્રણીઓએ દાવો કર્યો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે પ૦ કોંગ્રેસ અગ્રણી-કાર્યકર ગત ગુરૂવારે બસમાં દિલ્લી જવા રવાના થયા હતા, જયારે કેટલાક કોંગ્રેસ અગ્રણી ગઈકાલે શુક્રવારે પ્લેન અને ટ્રેન માર્ગે દિલ્લી ગયા હતાં. ભાજપ સરકારના શાસનમાં અર્થતંત્ર ખરાબ થઈ રહ્યુ છે અને યુવાનો બેકાર થઈ રહ્યા છે. બળાત્કારના બનાવ વધી રહ્યા છે છતાં ભાજપ સરકાર પગલા લેવામાં આવતા નથી તેવા આક્ષેપ કોંગ્રેસ અગ્રણીઓએ કર્યા હતાં. ભાજપ સરકારને જગાડવા ભારત બચાવો રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળેલ છે. ભારત બચાવો રેલી કાર્યક્રમ પૂર્ણ થતા એક-બે દિવસમાં ભાવનગરના કોંગ્રેસ અગ્રણી-કાર્યકરો પરત ફરશે.