સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની ટીમ ચેમ્પિયન
ભાવનગર, તા. 05 નવેમ્બર 2019, મંગળવાર
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ 2019 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-14 બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી જિલ્લાની ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધા જીતવા ખેલાડી બહેનો વચ્ચે રસાકસી જામી હતી. બાસ્કેટબોલ સ્પર્ધાની ફાઈનલ મેચમાં આજે મંગળવારે ભાવનગર સિટીની બંને ટીમે પ્રથમ અને દ્રિતીય ક્રમે વિજય મેળવ્યો હતો.
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તા. 3 અને પ નવેમ્બર દરમિયાન અન્ડર-14 ખેલ મહાકુંભની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાની વિજેતા અને પસંદગીની ટીમે ભાગ લીધો હતો પરંતુ બહેનોના વિભાગમાં માત્ર 15 ટીમ ભાગ લેવા માટે આવી હતી.
બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની પસંદગી વિભાગની ટીમ ચેમ્પિયન થઈ હતી, જયારે ભાવનગર સિટીની વિજેતા ટીમ દ્રિતીય ક્રમે રહી હતી. ભાવનગર સિટીની બંને ટીમ ખેલાડી બહેનોએ સુંદર રમત રમી હતી. આ સ્પર્ધા જીતવા ખેલાડીઓએ એડીચોટીનુ જોર લગાવ્યુ હતુ તેથી સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ જીતવા ભારે રસાકસી જામી હતી.
અન્ડર-14 બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની બંને ટીમ પહેલેથી જ મજબુત જણાતી હતી અને બંને ટીમે મેડલ મેળવી ફાઈનલમાં ડંકો વગાડી દીધો હતો. ભાવનગરની બંને ટીમને મેડલ મળતા ખેલાડીઓ ગેલમાં આવી ગયા હતા અને ખેલાડીઓ ઝુમી ઉઠયા હતાં. સીનીયર ખેલાડી સહિતના સભ્યોએ વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા હતાં.
ભાવનગર સિટીની બહેનોની બંને ટીમ આણંદ રમવા જશે
આણંદ ખાતે ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની અન્ડર-14 ભાઈઓ અને બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આગામી દિવસોમાં આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ચારેય ઝોનમાં વિજેતા થયેલ બે-બે ટીમ ભાગ લેવા આવશે. રાજ્યકક્ષા બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની ભાઈઓની બે અને બહેનોની બે મળી કુલ ચાર ટીમ ભાગ લેવા માટે જશે. ચારેય ઝોનની ભાઈઓની 8 અને બહેનોની 8 ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે ત્યારે આ સ્પર્ધામાં કંઈ ટીમ બાજી મારી જાય છે? તે જોવુ જ રહ્યું.