ભાવનગર શહેર અને જિલ્લામાં ડેંગ્યુના વધુ 9 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ
- શહેરમાં ડેંગ્યુના સાત અને ગ્રામ્યમાં બે કેસ નોંધાયા
- ડેંગ્યુના કેસ વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ: આરોગ્ય વિભાગે દવા છંટકાવ, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરી
ભાવનગર, તા. 19 ઓક્ટોબર 2019, શનિવાર
ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસા બાદ રોગચાળાએ માથુ ઉંચકયુ છે, જેમાં ડેંગ્યુ, મલેરીયા સહિતના પાણીજન્ય રોગના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેથી લોકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા બે દિવસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં ડેંગ્યુના વધુ નવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. રોગચાળો વધતા ભાવનગર મહાપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ફોંગીગ, પત્રીકા વિતરણ સહિતની કામગીરી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં આજે શનિવારે ડેંગ્યુના ૭ પોઝીટીવ કેસ નોંધાયા હોવાનુ મહાપાલિકાના આરોગ્ય અધિકારી સિન્હાએ જણાવેલ છે, જેમાં વિઠ્ઠલવાડી, બાનુબેનની વાડી, ચિત્રા, ફુલસર, વડવા, અક્ષરપાર્ક, ભરતનગર વગેરે વિસ્તારમાં ડેંગ્યુના પોઝીટીવ કેસ જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ડેંગ્યુનો વધુ બે પોઝીટીવ કેસ નોંધાયો હોવાનુ જિલ્લા આરોગ્ય અધિકારી તાવીયાડે જણાવેલ છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસા બાદ રોગચાળો વધ્યો છે તેથી દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ડેંગ્યુના કેસ ખુબ જ વધ્યા છે તેથી લોકોની ચિંતા વધી છે. સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અનેક કેસ ડેંગ્યુના નોંધાયા છે તેથી લોકો ચિંતીત જોવા મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં રોગચાળો વધવાના પગલે મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે દવા છંટકાવ, ફોંગીગ, લોક જાગૃતી માટે પત્રીકા વિતરણ, પ્રચાર, જુથ ચર્ચા વગેરે કામગીરી હાથ ધરી છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાપાલિકાના આરોગ્ય વિભાગે ફોંગીગ કામગીરી શરૂ કરી છે. મેલેરીયા વિભાગના સ્ટાફને પણ કામે લગાડયો છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલના તમામ કેસોની તપાસ, સર્વેલન્સ, પોરાનાશક, ફોગીંગ અને ગપ્પી માલની મુકીને પગલા લેવાય રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોના સહકારની પણ અપીલ કરી છે અને લોકોએ પણ ઘરમાં સફાઈ સાથે પોરાનાશક કામગીરી કરવી જરૂરી બની રહે છે. ઘરની આસપાસ પાણી ભરાવા દેવુ નહી, ગંદકી ફેલાય નહી તેનુ ધ્યાન રાખવુ સહિતની કામગીરી કરવા લોકોને આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.