ભુજમાં સામાન્ય વરસાદ વરસતા જ માર્ગો પર જમીન બેસવા માંડી
- પાણી તથા ગટર લાઈન માટે ખાડાઓ ખોદ્યા બાદનું પરિણામ
- સુધરાઈના બાંધકામ વિભાગ દ્વારા સમારકામના નામે આચરાતા ભ્રષ્ટાચાર સામે લોકોમાં તીવ્ર રોષની લાગણી
ભુજ, તા.09 જૂન 2020, મંગળવાર
ભુજમાં છેલ્લા એક વર્ષમાં પાણી અને ગટરલાઈન માટે ખોદેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ કરાતું ન હોવાની ફરિયાદ વરસાદ આવતા જ સાચી ઠરી હતી. ગઈકાલે આવેલા નામ માત્રના વરસાદ થકી શહેરમાં ત્રણથી વધુ જગ્યાએ રસ્તાઓ પર ભુવા પડી ગયાના બનાવો બન્યા છે. જેના કારણે ભ્રષ્ટાચાર સત્તાધીશો અને કર્મચારીઓ સામે ભારે રોષ પ્રગટયો છે.
જાગૃતોએ જણાવ્યું હતું કે, શહેરના મોટાભાગના રસ્તાઓ પાણી અને ગટરની લાઈન માટે વારંવાર ખોદવામાં આવે છે. પરંતુ તેનું પુનઃ મજબુતી સાથે સમારકામ કરવામાં આવતું નથી. બાંધકામ વિભાગ વર્ષના બજેટમાં કરોડોની રકમ રસ્તાઓના સમારકામ માટે પાસ કરાવે છે પરંતુ આ રકમ પદાધિકારી અને કર્મચારીઓ હળીમળીને ઓહીંયા કરી જાય છે. રસ્તાઓ ખોદ્યા બાદ તેમાં યોગ્ય પુરાણ કરવાના બદલે માટી નાખીને ઉપર આરસીસી કે ડામર મઢી દેવાય છે.
જેના કારણે સામાન્ય વરસાદ પડતા રસ્તાઓ બેસી જવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા ૫ વર્ષથી ભુજમાં ભુવા પડવાનું પ્રમાણ ખુબ વધ્યું છે. જેના પાછળ સમારકામના નામે લીપાંપોતી કરી નાણાની ખાયકી કરનારા તત્વો જવાબદાર છે. ચાલુ વરસાદે પડતા આવા ભુવા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની જશે તેવો ભય ઉભો થયો છે.
શહેરના રસ્તાઓ પર પહેલાથી જોખમી ગટરની ચેમ્બરો પડેલી જેનું સમારકામ કરવાની પ્રિ-મોન્સુન હેઠળ કામગીરી કરાઈ નથી. હવે ભુવા પડવાની ઘટનાઓ બનતા ભારે રોષ ઉભો થયો છે. ગઈકાલે પડેલા વરસાદમાં હોસ્પિટલ રોડ પર વી.એચ. હોસ્પિટલની સામેના રસ્તા પર જમીન બેસી ગઈ છે. તો આવી જ સ્થિતિ હિલગાર્ડન તરફ જતાં રસ્તાના ત્રિભેટે ઉભી થઈ છે. પ્રમુખ સ્વામીનગરમાં પણ ભુવો પડી ગયો છે. આમ તમામ રસ્તા એ છે કે જ્યાં નજીક સમયમાં જમીન ખોદીને અત્યંત તકલાદી કક્ષાનું કામ કરીને ડામર કરી દેવાયો છે. કલેકટર વહીવટમાં નિષ્ફળ શાસકો સામે લાલઆંખ કરીને પગલા ભરે નહીં તો ચોમાસામાં ખુલ્લી ગટર અને ભુવામાં કોઈનો જીવ ચાલ્યો જશે.