કણકોટના પાટીયા પાસે ડમ્પરે મોપેડને હડફેટે લેતા આધેડનું મોત
રાજકોટમાં બે હિટ એન્ડ રનમાં બેના મોત
સંતકબીર રોડ પર બાઇક હડફેટે ઘવાયેલા વૃધ્ધે દમ તોડી દીધો
રાજકોટ: રાજકોટમાં બે હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ વૃધ્ધ સહિત બેના મૃત્યુ નિપજ્યા છે. કણકોટના પાટીયા પાસે ડમ્પરે મોપેડને હટફેટે લેતા સિક્યુરીટીમેનનું અને સંત કબીર રોડ નજીક બાઇક હડફેટે લેતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
વીરડા વાજડી ગામે ભાડે રહેતા અને સિક્યુરીટીમેન તરીકે નોકરી કરતાં વાલાભાઇ લાખાભાઇ બોચર (ઉ.વ.૫૦) ગઇકાલે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે બગીચામાં નોકરી હોય ત્યાં મોપેડ પર જવા રવાના થયા હતા. ત્યારે કણકોટના પાટીયા પાસે અજાણ્યા ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તાલુકા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં સંતકબીર રોડ પર ત્રિવેણી સોસાયટી શેરી નં.૧માં જમાઇ સાથે રહેતા મુળ કાલાવડના નાગાજારના હમીરભાઇ ખેતાભાઇ માલા (ઉ.વ.૮૫) ગઇ તા.૪ના ઘરેથી ત્રિવેણી ગેઇટ પાસે દુકાને જઇ રહ્યા હતા ત્યારે ત્રિવેણી ગેઇટ પાસે રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા બાઇકના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. બી ડીવીઝન પોલીસે મૃતકના જમાઇ રામભાઇની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.