mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શહેરમાં મહત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો નજીવો ઘટાડો

Updated: May 26th, 2024

શહેરમાં મહત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો નજીવો ઘટાડો 1 - image


-  સતત આઠમા દિવસે મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રીને પાર 

- મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું : બે દિવસમાં તાપમાન 0.6 ડિગ્રી ઘટયું : ભેજ અને પવનની ઝડપ વધતા ગરમીમાં આંશિક રાહત

ભાવનગર : શહેરમાં સતત આઠમા દિવસે મહત્તમ ઉષ્ણતામાનનો પારો ૪૦ ડિગ્રીને પાર રહ્યો હતો. જોકે, ગઈકાલની સરખામણીએ આજે તાપમાનમાં ૦.૪ ડિગ્રીનો અને બે દિવસમાં ૦.૬ ડિગ્રીનો ઘટાડો નોંધાતા તથા આજે ભેજ અને પવનની ઝડપમાં વધારો નોંધાતા ગરમીમાં આંશિક રાહત મળી હતી.

 શહેરમાં આઠ-આઠ દિવસથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહેતા શહેરીજનો છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેમ આકરા તાપ અને અકળાવનારા બફારાથી શેકાઈ રહ્યા છે. એમાં પણ ગઈ તા.૧૯ મેના રોજ મહત્તમ તાપમાનનો પારો આ ઉનાળાની સીઝનમાં પ્રથમ જ વાર ૪૪.૬ ડિગ્રી પર પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. એ પછી બીજા દિવસે પણ તાપમાન ૪૪.૨ ડિગ્રી રહ્યું હતું. તો તા.૨૧ના રોજ ઉષ્ણતામાન ૪૩.૮ ડિગ્રી નોંધાયું હતું જ્યારે તા.૨૨ના રોજ ૪૧.૨ ડિગ્રી, તા. ૨૩ના રોજ ૪૨.૨ ડિગ્રી અને તા. ૨૪ના રોજ ૪૨ ડિગ્રી રહ્યું હતું.

આમ, મહત્તમ તાપમાનનો પારો સતત ૪૦ ડિગ્રીને પાર રહેતા હીટવેવના કારણે લોકો દિવસ ઉપરાંત રાત્રે પણ અકળાવનારી ગરમી અને તીવ્ર બફારો સહન કરી રહ્યાં છે. એમાં પણ પવનની ઝડપ ઓછી હોવાના કારણે ગરમીના પ્રકોપે માઝા મૂકી હતી. પરિણામે અબાલ-વૃદ્ધ, અશક્ત, બિમાર લોકોને વધારે તકલીફનો સામનો કરવો પડયો હતો. 

  ગઈ તા. ૨૨ના રોજ સવારે પવનની ઝડપ ૮ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. જે દિવસ દરમિયાન વધીને ૧૮ કિમી પ્રતિ કલાક થઈ હતી. જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૪૦ ટકા હતું જે દિવસ દરમિયાન ઘટીને ૨૮ ટકા થયું હતું. જ્યારે તા.૨૩ના રોજ સવારે હવામાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા નોંધાયું હતું જે દિવસ દરમિયાન ઘટીને ૩૦ ટકા રહ્યું હતું તથા સવારે પવનની ગતિ ૧૨ કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી. જે દિવસ દરમિયાન વધીને ૩૦ કિમી પ્રતિ કલાકની રહી હતી. ગઈ કાલ તા.૨૪ના રોજ સવારે પવનની ઝડપ ૧૪ કિમી પ્રતિ કલાક હતી તે દિવસ દરમિયાન વધીને ૨૬ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. જ્યારે ભેજનું પ્રમાણ ૪૫ ટકા હતું તે દિવસ દરમિયાન ઘટીને ૪૦ ટકા રહ્યું હતું. જ્યારે આજે ભેજનું પ્રમાણ સવારે ૫૭ ટકા અને દિવસ દરમિયાન ૫૨ ટકા નોંધાયું હતું તો પવનની ઝડપ ૧૪ કિમી પ્રતિ કલાકથી વધીને ૩૬ કિમી પ્રતિકલાક રહી હતી. 

Gujarat