સુભાષનગરના મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસ સકંજામાં
- રૂવાના શખ્સે તેના મિત્રના મકાનમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો
- દારૂનો જથ્થો આપનાર અને મકાનમાં છુપાવી રાખનાર શખ્સો હાજર ન મળ્યા, દારૂની 84 બોટલ કબજે લેવાઈ
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, રૂવા ગામે મઠુલી સામેના ભાગે રહેતો ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઈ માળીએ સુભાષનગર, નરવાણીવાળા ખાંચામા રહેતા તેના મિત્ર વિશાલ જેન્તીભાઈ ખેસ્તીના કબજા ભોગવટાના રહેણાકી મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરી રહ્યા છે. જે હકીકત આધારે રેઈડ કરી તલાશી લેતા મકાનના ઉપરના માળે બનાવેલ ઓરડીમા છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડ નાઈટ બ્લ્યું મેટ્રો લીકરની પાંચ પેટી, મેકડોવેલ્સ નંબર-૧ની બે પેટી મળી આવતા બરામત કરી ઓરડીમાં હાજર હાર્દિક ઉર્ફે ભુરો પરશોત્તમભાઈ ચૌહાણ (રે. ડો. નરવાણીવાળા ખાંચામાં સુભાષનગર)ની અટકાયત કરી લીધી હતી. જ્યારે અન્ય ખુશાલ ઉર્ફ જીગર અને વિશાલ ખેસ્તી હાજર મળી આવ્યા ન હતા. ઝડપાયેલ હાર્દિકની પુછપરછ કરતા દારૂનો જથ્થો ખુશાલ લઈ આવેલ અને વિશાલના ઘરે સાચવવા માટે આપેલ જ્યારે વિશાલ અને તે દારૂનું વેચાણ કરતા તેનું ખુશાલ કમીશન આપતો હોવાની કબુલાત આપી હતી. ઉક્ત બનાવના પગલે લોકલ ક્રાઈમ બ્રાંચે ત્રણેય શખ્સ સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.