જામનગરમાં સ્વામિનારાયણ ધામ વિસ્તારમાં રહેતા ટ્રક ડ્રાઇવર દલિત યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો
Image Source: Freepik
૩૦ હજાર રૂપિયા હાથ ઉછીના લીધા પછી પરત માંગવાના પ્રશ્ને બે શખ્સોએ તકરાર કરી માર માર્યાની ફરિયાદ
જામનગર, તા. 23 ઓગસ્ટ 2023 બુધવાર
જામનગરમાં સ્વામિનારાયણ ધામ વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા યુવાન પર હુમલો કરાયો છે, અને પોતે દલિત જ્ઞાતિ નો હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી યુવાને આરોપી પાસેથી ૩૦ હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા. જેની ઉઘરાણીના પ્રશ્ને આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સ્વામિનારાયણ ધામમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા નીરવ અનિલભાઈ ચાવડા નામના ૩૦ વર્ષના દલિત જ્ઞાતિના યુવાને પોતાના પર હુમલો કરી માથામાં ઇજા પહોંચાડવા અંગે રામદેવ સિંહ સોઢા અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે.
પોતે દલિત જાતિ નો હોવાનું જાણતા હોવા છતાં પણ તેને સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરાયાનું પોલીસમાં જાહેર કરાયું છે. ફરિયાદી યુવાને આરોપી પાસેથી ૩૦ હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા, તે પરત લેવા માટે આરોપીએ દબાણકરી હુમલો કર્યો છે.